મુંબઇ,તા. ૩
મહાન બોલિવુડ અભિનેતા દિલિપી કુમારને ફરી એકવાર લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુંબઇમાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ બોલિવુડના સ્ટાર તેમની તબિયત અંગે માહિતી મેળવી રહ્યા છે. સત્તાવાર સુત્રોએ કહ્યુ છે કે કિડનીમાં તકલીફ થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરિવારના સુત્રોએ કહ્યુ છે કે આ સુપરસ્ટારને બે દિવસ સુધી તબીબોની નજર હેઠળ રાખવામાં આવનાર છે. પરિવારના સભ્યોએ વિગત આપતા કહ્યુ છે કે યુરીન ઇન્ફેક્શનની અસર પણ જોવા મળી રહી છે. આઇવી ડ્રીપ મારફતે એન્ટીબાયોટિક્સ દવા આપવામાં આવી રહી છે. આઇસીયુમાં તેમને રાખવામાં આવી રહ્યા છે. ૯૪ વર્ષીય દીલિપ કુમાર હવે ખુબ કમજોર થઇ ગયા છે. તાજેતરના વર્ષોમાં વય સાથે સંબંધિત સમસ્યા પણ તેમને રહી છે. તેમની સાથે તેમના પત્નિ અને વિતેલા વર્ષોની અભિનેત્રી સાયરાબાનુ પણ છે. દિલિપ કુમાર છેલ્લે કિલ્લા ફિલ્મમાં ૧૯૯૮માં દેખાયા હતા. દિલિપ કુમાર બોલિવુડના સૌથી મોટા સ્ટાર છે. વર્ષ ૧૯૯૮ સુધી દિલીપકુમાર ફિલ્મોમાં પણ સતત સક્રિય રહ્યા હતા અને એક પછી એક પડકારરુપ ભૂમિકાઓ અદા કરી હતી. દિલીપકુમારને ૧૯૯૪માં દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ આપવામાં આવ્યો હતો જ્યારે ૨૦૧૫માં પદ્મવિભૂષણથી સન્માનિત કરાયા હતા. દિલીપકુમાર બોલીવુડના સમ્રાટ તરીકે ગણવામાં આવે છે.