અમદાવાદ,તા.૩ : પાટીદાર આંદોલન દરમિયાન અગ્રેસર ભૂમિકા ભજવનાર પાસ પૂર્વ સભ્ય દિનેશ બાંભણિયા વિરૂધ્ધ રૂ ૭૩.૨૫ કરોડનો વેટ નહીં ભરવાના મામલે વેટ અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેના કારણે પોલીસ વિભાગ દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. રાજકોટ એ ડિવીઝન પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. વેટ વિભાગના અધિકારીએ રાજકોટ ખાતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જસદણ ખાતે રહેતા દિનેશ બી બાંભણિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વેટ અધિકારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ દિનેશ બી બાંભણિયાએ રાજકોટના ન્યૂ જાગનાથ મેઈન રોડ પર આવેલી ક્રેડિટ કોર્નરમાં શ્રીનાથજી કોટલિક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની શરૂ કરી હતી. આ કંપનીમાં તેઓ રૂ ની ગાંસડીઓનું ખરીદ અને વેચાણ કરતા હતા. આ કંપનીમાં દિનેશ બાંભણિયા ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે. શ્રીનાથજી કોટલિક કંપનીએ વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૪ દરમિયાન કરેલા વેપારના રૂ ૭૩.૨૫ કરોડનો વેરો સરકારી તિજોરીમાં જમા કરાવવાનો હતો. વેટ વિભાગે કંપનીના ડાયરેક્ટર દિનેશ બાંભણિયાને નોટિસ ફટકારીને કંપનીના હિસાબો રજૂ કરવા તાકીદ કરી હતી પરંતુ દિનેશ બાંભણિયાએ એક પણ નોટિસનો જવાબ આપ્યો ન હતો. ત્રણેક વર્ષથી દિનેશ બાંભણિયાએ કંપની બંધ કરી દીધી છે. હાલમાં વેટ વિભાગે દિનેશ બાંભણિયાની અઢી વીઘા જમીન ટાંચમાં લીધી છે. આ અંગે દિનેશ બાંભણિયાએ મીડિયાને જણાવ્યું હતું કે વેટ વિભાગ દ્વારા તેમને નોટિસ મળી હતી.