(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૪
પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)માં ભાગલા પડાવવાની ભાજપની મેલીરમત સફળ થઈ હોય તેમ જણાઈ રહ્યું છે. પાસ છોડી ભાજપમાં ભળી ગયેલા અને પાસમાં રહી અંદર ખાતે આંદોલન તોડવા રમત રમી રહેલા પાસના કયાં અગ્રણીઓ કેટલી રકમમાં વેચાયા ? તેનો વીડિયો વાયરલ થયા બાદ હાર્દિક પટેલે કરેલા આક્ષેપોથી ખળભળાટ મચી ગયો છે જેને લઈ હાર્દિકના સાથી દિનેશ બાંભણિયા અને દિલીપ સાબવાએ હાર્દિકને પડકાર ફેંકયો છે કે તેમની સામેના આક્ષેપો પુરવાર કરે નહીં તો બદનક્ષીની ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
હાર્દિકના સાથી અને પાસના અગ્રણી દિનેશ બાંભણિયાએ જણાવ્યું છે કે મીડિયામાં ગતરોજ પાસના આગેવાનો વેચાયા હોવાનો જે વીડિયો ચલાવવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો. તે વીડિયોને લઈ હાર્દિક પટેલે કેટલાક પાસના આગેવાનો નાણાં લઈ પાટીદાર આંદોલનને નુકસાન પહોંચાડતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જેમાં મારૂ નામ પણ સામેલ છે હાર્દિકે જે નિવેદન આપ્યું છે. તેમાં મેં ૮ કરોડ રૂપિયા લીધા હોવાનો આક્ષેપ કર્યો છે આના એક કલાક બાદ તે ફરી ગયો હતો અને ખુલાસો કર્યો હતો કે આ રીતે મને મેસેજ આવ્યો હતો અને મે માત્ર ફોરવર્ડ કર્યો હતો પરંતુ સમાજના જવાબદાર વ્યકિત તરીકે તેણે મને બદનામ કર્યો છે. જેનાથી હું હાર્દિક વિરૂધ્ધ વ્યકિતગત રીતે બદનક્ષીની ફરિયાદ કરીશ. જો હાર્દિક પાસે કોઈ પુરાવા નથી તો પણ તેણે મને બદનામ કરવાની કોશિશ કરી છે આથી તેણે સમાજ સામે ખુલાસો કરવો પડશે. અથવા પોલીસ સામે પુરાવા રજૂ કરે હાર્દિકના આવા પ્રયાસથી આંદોલન નબળું પડે છે. આંદોલનકારીઓ સામે સમાજમાં અવિશ્વાસ ઉભો થાય છે આ વીડિયો પ્રસિધ્ધ કરનારનો હેતુ પણ આંદોલનને નબળું પાડવાનો જ છે. મારી સામે આક્ષેપો છતાં હાર્દિક માત્ર અનામતની વાત કરશે અને આંદોલના કરશે તો હું તેની સાથે જ છું.આ ઉપરાંત હાર્દિકના ઓક્ષપ બાદ દિલીપ સાબવાએ પણ હાર્દિક સામે બાંયો ચઢાવી હાર્દિકને પત્ર લખ્યો છે જેમાં તેણે ચેતવણી આપી છે કે તે જે આરોપ મુકયા છે તેના ત્રણ દિવસમાં પુરાવા રજૂ કરે નહીં તો હું હાઈકોર્ટમાં જઈશ.
દિનેશ બાંભણિયા અને દિલીપ સાબવા બાદ વરૂણ પટેલ અને રેશ્મા પટેલે પણ હાર્દિક સામે બાંયો ચઢાવી છે. ભાજપમાં જોડાયેલા વરૂણ પટેલે હાર્દિકના આક્ષેપો અંગે જણાવ્યું હતું કે લુખ્ખા મંડળી પ્રમાણપત્ર આપે તે પાટીદાર બાકીના પાટીદાર નહીં તો મારે આવા પ્રમાણપત્ર લેવાની જરૂર નથી. હાર્દિકના આક્ષેપો તદ્દન ખોટા છે. જો હાર્દિક પાંચ દિવસમાં પુરાવા રજૂ નહીં કરે તો છઠ્ઠા દિવસે હું તેની સામે બદનક્ષીનો દાવો કરીશ. આ ઉપરાંત ભાજપમાં જોડાયેલા રેશ્મા પટેલે જણાવ્યું હતું કે મારા પર ખોટા આરોપ લગાવનાર હાર્દિક પહેલા એ જણાવે કે તેની બહેનના લગ્ન માટે રૂપિયા ર૦ કરોડ ક્યાંથી આવ્યા હતા !