(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૩૦
ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પાટીદાર સમાજની વિવિધ માગણીનો અમલ કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો હોવાની ગઈકાલે કરેલી જાહેરાત બાદ પાટીદાર અનામત આંદોલનના નેતા અને એક સમયના હાર્દિક પટેલના ખાસ સાથીદાર દિનેશ બાંભણિયાએ જણાવ્યું છે કે, પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને લખેલા પત્રથી હું પ્રભાવિત થયો છું પહેલાં હું જે રીતે કોંગ્રેસનો વિરોધ કરતો હતો. પરંતુ આજે નિખાલસતાથી તમારા પત્રને આવકારૂં છું. અત્રે નોંધનીય છે કે, પાટીદાર અનામત આંદોલન દરમિયાન ગુજરાત પોલીસ દ્વારા પાટીદાર યુવાનો, મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવ્યા હતા. આંદોલન દરમિયાન કુલ ૧૪ પાટીદાર યુવાનો મોતને ભેટ્યા હતા. ત્યારબાદ પાટીદાર સમાજ દ્વારા તેમને ઓબીસીમાં સ્થાન આપવા માગણી કરવામાં આવી હતી. આ બધી બાબતો અંગે ચર્ચા કરવા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી વિધાનસભાનું એક દિવસનું વિશેષ સત્ર બોલાવવા માગણી કરી હતી. દરમિયાન પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને લખેલા પત્ર બાદ દિનેશ બાંભણિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, મેં પરેશ ધાનાણીને પત્ર લખ્યો છે. જેમાં અમારી સરકાર સમક્ષ પાંચ મુખ્ય માગણીઓ છે. જેમાં પાટીદાર સમાજને ઓબીસી ક્વોટામાં સ્થાન આપવું, પાટીદાર અનામત આંદોલન દરમિયાન મોતને ભેટેલા યુવકોના પરિવારને ન્યાય મળે, સરકારી નોકરી મળે, શહીદનો દરજ્જો મળે, પાટીદાર અનામત આંદોલન દરમિયાન દોષિત અધિકારીઓ ઉપર પગલાં લેવામાં આવે, હાર્દિક પટેલ સહિતના આંદોલનકારીઓ ઉપર થયેલા કેસ ગુજરાત સરકાર દ્વારા પાછા ખેંચવામાં આવે. આ ઉપરાંત દિનેશ બાંભણિયાએ એમ પણ જણાવ્યું છે કે, મેં લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, વિધાનસભામાં પાટીદાર અનામત આંદોલન માટે ચર્ચા કરવા વિશેષ સત્રની માગણીના એજન્ડાને ક્રમશ અને વિગતવાર સમાજ અને મીડિયા સમક્ષ મૂકવો. આમ, પાટીદાર સમાજના એજન્ડા અને લાભને મીડિયા સમક્ષ રજૂ કરવો પરંતુ પાટીદાર સમાજનો ચૂંટણીલક્ષી ઉપયોગ ન થાય એ માટે પણ ધ્યાન રાખવું પડશે. જો એવું થશે તો પાટીદાર સમાજના યુવાનો વિરોધ કરવાની પણ તાકાત ધરાવે છે.