અમદાવાદ, તા.૩૦
રાજ્યમાં ચકચાર જગાવનાર જયંતી ભાનુશાળી દુષ્કર્મ કેસની ફરિયાદી પીડિતા આજરોજ ક્રાઈમ બ્રાંચ સમક્ષ હાજર થતા નિવેદન લેવાયું હતું. આ પીડિતા દિનેશ કાછડિયા કેસમાં આરોપી હોવાથી તેને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. અગાઉ ત્રણ જેટલા સમન્સ પાઠવ્યા બાદ પણ હાજર ન રહેનાર પીડિતાએ આજે હાજર થઈ જવાબ લખાવ્યો હતો. કોંગ્રેસી નેતા અને કોર્પોરેટ દિનેશ કાછડીયાની કથિત સીડી કેસમાં અગાઉ પીડિતાને નિવેદન લખાવવા માટે ક્રાઈમ બ્રાંચ દ્વારા ત્રણેક સમન્સ પાઠવવામાં આવ્યાં હતાં. પહેલા સમન્સમાં પીડિતાની માતાએ હાજરી પુરાવી હતી. બીજી વખતના સમન્સમાં પીડિતા બીમાર હોવાથી નહોતી આવી ત્યારે આજે ક્રાઈમ બ્રાંચ સમક્ષ પહોંચીને પોતાનું નિવેદન આપ્યું હતું.ક્રાઈમ બ્રાંચમાં એકાદ કલાક સુધી પીડિતાનું નિવેદન લેવામાં આવ્યું હતું.
ગત વિધાનસભા ચૂંટણી ૨૦૧૭ અગાઉ સુરત ઉત્તરની વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસી નેતા દિનેશ કાછડીયાની કલીપ વાઈરલ થઇ હતી. ત્યારબાદ બદનક્ષી અને બ્લેકમેલની ફરિયાદ દિનેશ કાછડીયા દ્વારા સુરત પોલીસને આપવામાં આવી હતી અને અમુક શખ્શોની આ કેસમાં ધરપકડ પણ થઇ હતી. ત્યારે પીડિતાને આ કેસમાં આરોપી બનાવાઈ હોવાથી આ બાબતે દિનેશ કાછડીયાએ કોઈ નિવેદન આપવાનું ટાળ્યું હતું. સુરતની પીડિતા પર એડમિશનની લાલચમાં દુષ્કર્મ કરનાર જયંતી ભાનુશાળીને પણ બે સમન્સ પાઠવવામાં આવ્યાં છે. તેમ છતાં જયંતી ભાનુશાળી જવાબ લખાવવાની જગ્યાએ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. અને હાઈકોર્ટમાં ક્રોસિંગ પીટીશન દાખલ કરી છે.