(એજન્સી) લખનૌ, તા.ર
ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માએ સીતાને ભારતનું પ્રથમ ટેસ્ટ ટ્યુબ બાળક ગણાવ્યા બાદ તેમની મુશ્કેલીઓ વધતી જણાઈ રહી છે.
કાલ સુધી શર્માના નિવેદનની ટીકા-ટીખળ થઈ રહી હતી પરંતુ હવે સમગ્ર વિવાદે કાયદાકીય વળાંક લીધો છે. કારણે તેમના વિરૂદ્ધ બિહારની સીતામરહી કોર્ટમાં કેસ નોંધવામાં આવ્યો છે.
સીતાની જન્મભૂમિ ગણાતા સીતામરહીના વકીલ ઠાકુર ચંદન સિંહે મુખ્ય જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીમાં આજે વહેલી સવારે દીનેશ શર્મા વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. તેમની ફરિયાદમાં ઠાકુર ચંદનસિંહે જણાવ્યું કે દિનેશ શર્માનું નિવેદન હિન્દુ સમાજની ભાવનાઓને ઠેસ પહોંચાડનારૂં છે. તેમણે ભારતીય પિનલ કોડના નિયમ ર૯પએ અને ૧ર૦બી અંતર્ગત ફરિયાદ નોંધાવી છે. કોર્ટે આ ફરિયાદ સ્વીકારી આ અંગે સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે.