(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૯
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માને હટાવવા પુનઃ હિલચાલ શરૂ થઈ ગઈ છે. શહેરના બે ધારાસભ્યો કેટલાક કાઉન્સિલરોને લઈ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રજૂઆત કરવા ગયા હતા. પરંતુ જાણવા મળ્યા મુજબ પ્રમુખે તેઓને સ્પષ્ટ શબ્દોમાં પરખાવી દીધું હતું કે, અઢી વર્ષનો કોઈ માપદંડ નથી. સમય બરબાદ કરવા કરતા લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જાઓ. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર, ડે.મેયર, ભાજપ પક્ષના નેતા સ્ટે. કમિટી સહિત વિવિધ કમિટીઓના ચેરમેનોની વરણી પૂર્ણ થતાં જ કોંગ્રેસના કેટલાક આગેવાનોમાં સળવળાટ ઊભો થયો છે. તેઓ પણ દિનેશ શર્માના અઢી વર્ષ પૂર્ણ થતાં તેમને બદલવા માંગ કરી રહ્યા છે. આજરોજ કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ અને અન્ય એક ધારાસભ્યની આગેવાનીમાં કોંગ્રેસના કેટલાક મ્યુનિ. કાઉન્સિલરો પ્રદેશ પ્રમુખને મળવા ગયા હતા અને અઢી વર્ષ પૂર્ણ થઈ ગયા હોવાથી તેમને બદલી અન્યને કોંગ્રેસ પક્ષના નેતા બનાવવા માગણી કરી હતી. જો કે, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રજૂઆત કરવા આવેલા ધારાસભ્યો અને કાઉન્સિલરોને રોકડું પરખાવી દીધું હતું કે, કોંગ્રેસમાં અઢી વર્ષનો કોઈ માપદંડ નથી. અગાઉ પણ મ્યુનિ. પક્ષના નેતાઓ પાંચ-પાંચ વર્ષની મુદ્દતના હોદ્દા ભોગવી ચુકયા છે. એટલે ખોટી દલીલબાજી કર્યા વિના આગામી લોકસભાની ચૂંટણીના કામે લાગી જાઓ તેમ જણાવી તેમની રજૂઆત પર ઠંડુ પાણી રેડી દીધું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે મ્યુનિ. કોંગ્રેસ પક્ષના નેતા દિનેશ શર્મા આગામી લોકસભાની ચૂંટણીમાં પૂર્વ બેઠકના મજબૂત ઉમેદવાર મનાય છે. ઉપરાંત હાલ તેઓ નેતા તરીકે ભાજપને મજબૂત લડત આપી રહ્યા છે. આથી જો તેમને હાલ દૂર કરી અન્યને મુકવામાં આવે તો પક્ષમાં આંતરિક ખેંચતાણ વધી શકે છે. આથી કોંગ્રેસે તેમને હાલ દૂર ન કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.