અમદાવાદ, તા.ર૦
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષ કોંગ્રેસના નેતાએ આગામી ર૭મીએ મળનારી મ્યુનિસિપલ સામાન્ય સભામાં એવી દરખાસ્ત રજૂ કરી છે જેનાથી ભાજપની હાલત સાંપે છછૂંદર ગળ્યા જેવી થઈ જશે. મ્યુનિસિપલ કોર્પોરેશને તાજેતરમાં બે નવા ઓવરબ્રિજનું લોકાર્પણ તો કર્યું પરંતુ તેનુું નામાભિધાન ન કરતાં કોંગ્રેસે મોકાનો લાભ લઈ આ બન્ને ઓવરબ્રિજ માટે એવા નામ સૂચવ્યા છે કે હા પાડે કે ના પાડે બન્નેમાં હાર ભાજપની થાય તેમ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે નવા ઓવરબ્રિજ બનાવાયા છે અને તેનું તાજેતરમાં લોકાર્પણ પણ કરી દેવાયું છે પરંતુ આ બંને બ્રિજના નામ હજુ સુધી આપ્યા નથી આથી કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માએ એક દરખાસ્ત કરીને કોર્પોરેશનને આપી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે વાસણા અને પાલડીને જોડતા અંજલી ચાર રસ્તા ઉપર નવા બંધાયેલા ફ્લાયઓવરને છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાયઓવર બ્રિજ એવું નામ આપવું જોઈએ કારણકે લોકોના દિલના સાચા હ્રદય સમ્રાટ હતા. મરાઠા સામ્રાજ્યને અડીખમ રાખવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આથી તેમની યાદ કાયમ રાખવા સદા રહે તે માટે પાલડી અંજલી ચાર રસ્તા પાસેના નવનિર્મિત બનેલા બ્રિજનું નામ છત્રપતિ શિવાજી ફલાયઓવરબ્રિજ આપવું જોઈએ.
જ્યારે આશ્રમરોડ ઈન્કમટેક્સ ચાર રસ્તા નજીક બંધાયેલા ફ્લાય ઓવર બ્રિજનું નામાભિધાન શહીદ વીર ચંદ્રશેખર આઝાદ ફ્લાયઓવર બ્રિજ આપવું જોઈએ. કારણકે ચંદ્રશેખર આઝાદે આઝાદીની લડતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી તેઓ આજીવન લડત આપીને કોમી એકતાના પ્રખર હિમાયતી રહ્યા હતા. તેઓએ અંગ્રેજોની હકૂમત સામે બળવો કરીને શહીદી વહોરી હતી. તેઓ ભાઈચારા ઉત્તમ પ્રતિક સમા શહીદ વીર ગણવામાં આવે છે.
આમ હવે જો ભાજપ કોંગ્રેસની આ દરખાસ્તને સ્વીકારે તો બંને નામ આપવાનો જશ કોંગ્રેસને મળશે અને જો ભાજપ કોંગ્રેસની માગણી નહીં સ્વીકારે તો લોકોમાં ભાજપની છાપ ખરડાઇ જશે કારણકે કોંગ્રેસે જે નામ સૂચવ્યા છે તેને દેશભરના લોકો શહીદ અને દેશપ્રેમી ગણે છે જેથી ભાજપને કોંગ્રેસની દરખાસ્ત સ્વીકારવામાં અને ફગાવવામાં બન્નેમાં નુકસાન છે.
મ્યુનિ. કોંગ્રેસના નેતાએ ભાજપની સ્થિતિ સાંપે છછૂંદર ગળ્યા જેવી કરી

Recent Comments