(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨
ઉત્તરપ્રદેશનાં નાયબ મુખ્ય મંત્રી દિનેશ શર્માએ સીતાજીને ટેસ્ટટયુબ બેબી ગણાવી કરેલ અપમાનજનક ટીપ્પણીનાં વિરૂદ્ધમાં આજે વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે દિનેશ શર્માનાં પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશનાં નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માએ મથુરા ખાતે આયોજીત એક કાર્યક્રમમાં ભગવાન રામની પત્ની સીતાજીનો જન્મ જમીનની અંદર ઘડામાં થયો હતો. જેનાં પગલે તેમણે સીતાજીને ટેસ્ટટયુબ બેબી સાથે સરખાવી હતી. તેમના આ નિવેદન બાદ તેમની સામે ભારે વિરોધ વંટોળ ઉભો થયો છે. ઠેર-ઠેર પ્રદર્શનો કરવામાં આવી રહ્યાં છે. આજરોજ વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે દિનેશ શર્મા તેમજ ભાજપ વિરૂદ્ધ ભારે સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો. સાથે જ દિનેશ શર્માનું પુતળુ બાળી કોંગી કાર્યકરોએ પોતાનો આક્રોશ વ્યકત કર્યો હતો.