અમદાવાદ, તા. ૧૧
સમગ્ર દેશને હચમચાવી મુકનાર સુરત તક્ષશિલા અગ્નિકાંડના નવ મહિના બાદ આરોપી દિનેશ કાનજી વેકરિયાની નાસતા ફરતા આરોપીને આખરે પકડી પાડવામાં આવ્યો છે. બાતમીના આધારે જાળ બિછાવ્યા બાદ તેમાં તે ઝડપાઈ ગયો હતો. તમામ લોકો જાણે છે કે, સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેટમાં ૨૪મી મે ૨૦૧૯ના દિવસે ભીષણ આગ ફાટી નિકળી હતી જેમાં ૨૨ માસૂમોના મોત થઇ ગયા હતા. આ દુર્ઘટના બાદ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. દુર્ઘટના બાદ પોલીસે ગુનો નોંધીને ફાયરબ્રિગેડ,એસએમસીના અધિકારીઓ, બિલ્ડર, જીઈબી અને ક્લાસીસના સંચાલક સહિતના કુલ ૧૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જો કે ગેરકાયદે બાંધકામ કરી ક્લાસીસ ચલાવવા ભાડે આપનાર દિનેશ કાનજી વેકરીયા ધરપકડ ટાળવા નાસતો ફરતો હોય પોલીસે ગુનાના બનાવના સમયથી અંદાજે નવ મહિના બાદ બાતમીના આધારે તેની ધરપકડ કરી હતી. તક્ષશિલા આર્કેટમાં બિન અધિકૃત બાંધકામ કરી ક્લાસીસ ચલાવવા ભાડે આપી પોતાની ધરપકડ ટાળવા માટે બનાવના દિવસથી નાસતા ફરતા હતાં. કામરેજ વાલકગામની બાજુમાં રોયલ ટાઉનશીપમાં નજીક રહેતા દિનેશ કાનજી વેકરીયા મૂળ વતન રબારીકા ગામ તાલુકો ઉપલેટા જીલ્લો રાજકોટને પોલીસે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. તક્ષશિલા આર્કેડની તપાસ દરમિયાન મળેલી મૌખિક,દસ્તાવેજી, સાંયોગીક તેમજ વૈજ્ઞાનિક પુરાવાના આધારે તક્ષશિલા આર્કેડમાં સ્માર્ટ ડિઝાઈન સ્ટુડિયો ટ્યુશન ક્લાસીસ ચલાવવા ભાડે આપનાર માલિકો, ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસના ફાયર ઓફિસર, ગેરકાયદેસર વીજકનેક્શનની ચકાસણી ન કરી ફરજમાં બેદરકારી દાખવનાર ડીજીવીસીએલ નાયબ ઈજનેર, તક્ષશિલા આર્કેડના ત્રીજા માળે બંધાયેલ બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવા માટે રજૂ કરેલા પ્લાન સ્થળ સ્થિતી સાથે સુસંગત ન હોવા છતાં ઈમ્પેક્ટ ફી મંજૂર કરનાર તથા સર્ટીફિકેટ ઓફ રેગ્યુલાઈઝેશન ઈશ્યુ કરનાર પાલિકાના ઈજનેરો મળી ૧૩ આરોપીની ધરપકડ કરાઈ હતી.