(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૯
સુરત શહેરના પાંડેસરા જીઆઇડીસીમાં આવેલ શાલુ ડાઇંગ મિલમાં ગતરોજ મોડી રાત્રે ચોથા માળનો સ્લેબ તુટી પડ્યા બાદ મિલમાં ભીષણ આગ લાગી હતી. આગની ઝપેટમાં ૧૮ જેટલા લોકો આવી જતા મોડી રાત્રે સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ૧૦૮ની મદદથી તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અંદાજે ૩૦થી વધુ કામદારો ઘાયલ થયા હતા. જ્યારે ૩ કામદારો સ્લેબ નીચે દટાતા તેમને રેસ્ક્યુ હાથ ધરીને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. શાલુ ડાઈનિંગ મિલ ૩૦ વર્ષ કરતા વધુ જૂની અને જર્જરીત હાલતમાં છે. જેમાં ઘણી જગ્યાએ લોખંડના સળીયા નાખીને સપોર્ટ આપવામાં આવેલ છે. આવી જર્જરીત મિલમાં અચાનક બિલ્ડિંગનો સ્લેબ તુટવાથી ઓઈલની પાઈપ ફાટી હતી. જેથી મિલમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગવાના કારણે કામદારોમાં અફરાતફરી મચી જવા પામી હતી. ૩૦ જેટલા કામદારોને ઈજા થઈ છે. જ્યારે કાટમાળ નીચે દટાયેલા ત્રણ વ્યક્તિઓને રેસ્ક્યુ હાથ ધરીને બચાવાયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયરબ્રિગેડના કાફલાએ મીલની દિવાલ તોડી રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્‌યુ હતુ. ઈજાગ્રસ્તોને સારવાર મળે તે માટે મોડી રાત્રે સિવિલ હોસિપટલમાં ઈમરજન્સી કોલ જાહેર કરાયો હતો. અડધી રાત્રે તમામ તબીબો અને નર્સોને સિવિલ હોસ્પિટલમાં બોલાવી તાત્કાલિક સારવાર હાથ ધરવામાં આવી હતી. પોલીસે પણ આ મામલે મિલ માલિક સામે બેદરકારીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
ઈજાગ્રસ્તોના નામ :-
લવકુશ બુલચંદ અગ્રી (ઉ.વ. ૧૮), શ્રીપાલ અજય (ઉ.વ. ૧૮), નરેશ વર્મા (૨૮), અજય રાજપૂત (૧૮), સુરેશ પ્રજાપતિ (૧૬), કલ્યાણભાઈ (૩૫), સેવક કેવટ (૪૧), દિલીપ બરોડાવાળા (૨૩), મનોજ કાળીયા (૪૧) રાજ બહાદૂર (૩૫) વિજય ઉપાધ્યાય (૧૯) સંતોષ પ્રજાપતિ (૩૦) ડેશની ગાયવાલા (૩૦), રાકેશ પ્રજાપતિ (૨૪) વિદ્યા નાયર (૪૩) અનિલ પાંડે (૪૦)
શહેરના પાંડેસરા જીઆઈડીસીમાં આવેલ મારૂતી ડાઈંગ મિલમાં સવારે અગિયાર વાગ્યાના સુમારે અચાનક આગ લાગી હતી. આગ લાગી ત્યારે મિલમાં કારીગરો કામ કરી રહ્યાં હતા. આગની જાણ થતા જ તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. મિલમાં ફસાયેલા કારીગરો ભયભીત થઈને મિલના પાછળના ગેટથી સુરક્ષિત બહાર નીકળી ગયા હતા. સુસવાટાભેર પવનના લીધે આગ વધુ પ્રસરતા ભીષણ સ્વરૂપ ધારણ કર્યુ હતું. બનાવની ગંભીરતા જાણીને આખા શહેરના ફાયર સ્ટાફને પાંડેસરા મારૂતિ મિલ ખાતે ખસેડી દેવામાં આવ્યો હતો. ૪૫ જેટલા ફાયર ફાઈટરોની મદદથી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ ચાલી રહ્યાં છે. આગથી કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી પરંતુ મિલના સ્ટ્રકચર, મશીનરી, રો મટીરિયલ, તૈયાર મટીરિયલને મોટા પાયે નુકસાન થયું છે. આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.