માંગરોળ,તા.૧૮
માંગરોળ તાલુકાની દિણોદ બોરીદ્રા-કરવા ઉદવહન સિંચાઈ યોજનાનો પ્રારંભ કરવા માટે આજે એક કાર્યક્રમનું આયોજન બોરીદ્રા ગામે, રાજયના વનમંત્રી ગણપતસિંહ વસાવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
ગણપતસિંહ વસાવા સહિતના મહાનુભાવોનાં હસ્તે કામની ભૂમિપૂજનવિધિ કરવામાં આવી હતી. રાજયના સિંચાઈ વિભાગના અધિક સચિવ કે.બી. રાબડિયાએ સ્વાગત પ્રવચનની સાથે આ યોજના સંદર્ભે માહિતી આપતા જણાવ્યું કે આ વિસ્તારમાં જમણાકાંઠા તરફ સિંચાઈનું પાણી પહોંચતું નથી જેને પગલે ગણપતસિંહ વસાવા દ્વારા સરકારમાં રજૂઆત કરાઈ હતી. અંતે સરકારે આ યોજના ઉભી કરવા ૩પ.પ૭ લાખ રૂપિયા મંજૂર કર્યા છે અને આ કામ માટે જલારામ પ્રોજેકટસ પ્રા.લિમિટેડ નામની કંપનીની પસંદગી કરાઈ છે. જે ૧૮ માસમાં આ કામ પૂર્ણ કરશે.
વનમંત્રી ગણપતસિંહ વસાવાએ પોતાના વકતવ્યમાં જણાવ્યું કે ભારત દેશની આર્થિક વ્યવસ્થા ખેતી આધારિત છે. આ યોજના મંજૂર કરાવવા માટે આ વિસ્તારના ખેડૂત આગેવાનો સાથે ગાંધીનગર મુકામે અનેક બેઠકો કરવી પડી હતી. એમણે આક્ષેપ કર્યો કે સરદાર સરોવર ડેમનું કામ કેટલાક વિરોધીઓએ વારંવાર વિરોધ કરી અટકાવવાના પ્રયાસ કર્યા છે. છતાં ગઈકાલે આ ડેમનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે. એમણે દિણોદ બોરીદ્રા કંટલા ઉદવહન સિંચાઈ યોજના સંદર્ભે માહિતી આપતા જણાવ્યું કે આ યોજના થકી આ વિસ્તારના નવ તળાવો ભરી, ૪૪૮૦ એકર સુકી જમીનને હરિયાળી કરવામાં આવશે. એમણે બીટીએસ ઉપર પ્રહાર કરતા જણાવ્યું કે આ જનતા દળ (યુ)ની જ પેઢી છે આ હજુ સત્તા ઉપર આવ્યા નથી તે પહેલા કેટલાક કાર્યકરો જાહેર રેલીઓમાં તલવાર,ભાલા જેવા સાધનો લઈને જાહેરમાં ફરે જેથી આવા લોકોને ઓળખી લેવા હાકલ કરવામાં આવી હતી. આ પ્રસંગે પીયત મંડળી, ગ્રામજનો, ખેડૂતો તરફથી વનમંત્રીનું સન્માનપત્ર એનાયત કરી શાલ ઓઢાડી તથા ફુલહાર પહેરાવી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.