(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૬
આર.ટી.આઈ. એક્ટિવીસ્ટ અમિત જેઠવાના ચકચારી હત્યા કેસમાં આજે સીબીઆઈ સ્પેશિયલ કોર્ટે ચુકાદો જાહેર કરતા ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી અને તેના ભત્રીજા સહિતના સાત આરોપીઓને દોષિત ઠરાવવામાં આવ્યા છે. હવે આ સાતેય આરોપીઓને તા.૧૧મી જુલાઈએ કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવશે. ર૦૧૦ના જુલાઈ માસમાં હત્યા થયા બાદ કોર્ટે આજે નવ વર્ષે આરોપીઓને દોષિત ઠરાવતા અને તેમાં જેને લઈ બહુ જ ચર્ચા થઈ હતી તેવા ભાજપના પૂર્વ સાંસદ કસૂરવાર સાબિત થતાં રાજકીય વર્તુળો સહિતમાં ચર્ચાનું બજાર ગરમ થઈ જવા પામ્યું છે. સીબીઆઇ સ્પેશિયલ કોર્ટે આજે આ અભૂતપૂર્વ ચુકાદો જાહેર કરતાં જેઠવાના પિતા અને પરિવારજનોએ ન્યાય મળ્યાની લાગણી વ્યકત થઈ હતી. અમિત જેઠવા હત્યા કેસમાં સીબીઆઇ સ્પેશ્યલ કોર્ટ દ્વારા દોષિત ઠરાવાયેલા આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર શૈલેષ પંડ્‌યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર(પોલીસ કોન્સ્ટેબલ), સંજય ચૌહાણ અને ભાજપના પૂર્વ સાંસદ દિનુબોઘા સોલંકીનો સમાવેશ થાય છે. સીબીઆઇ કોર્ટના આ ચુકાદાને પગલે આજે ભાજપના રાજકીય ગલિયારામાં પણ ભારે ચર્ચા જાગી હતી. ચકચારભર્યા આ કેસની વિગતો એવી છે કે, જૂનાગઢના આરટીઆઇ એકટીવીસ્ટ ૩૫ વર્ષીય અમિત જેઠવાની ગત તા.૨૦ જુલાઇ,૨૦૧૦ના રોજ ગુજરાત હાઇકોર્ટ સામે આવેલ સત્યમેવ કોમ્પ્લેક્સની નીચે જ સાંજના સુમારે ધોળેદહાડે ગોળી મારી હત્યા કરાઈ હતી. સીબીઆઇએ આ કેસની તપાસ હાથ ધરી ભાજપના જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિત ૭ આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કર્યું હતું. આ કેસની તપાસમાં એવી ચોંકાવનારી હકીકતો પણ સામે આવી હતી કે, આરટીઆઇ એકટીવીસ્ટ અમિત જેઠવાએ તે જ દિવસે હાઇકોર્ટમાં જૂનાગઢના ગીરના જંગલોમાં ચાલી રહેલા ગેરકાયદે ખનન અંગે પીઆઇએલ કરી હતી. અમિત જેઠવાની હત્યા પાછળ, દિનુ બોઘા સોલંકીનો હાથ છે તેવો આક્ષેપ અમિત જેઠવાના પિતા ભીખાભાઇએ કર્યો હતો. આ ઘટનામાં પોલીસે ભાજપના તત્કાલીન સાસંદ દિનુ સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકીની ધરપકડ કરી હતી. પરંતુ ક્રાઇમ બ્રાન્ચે દિનુ બોઘા સોલંકીને ક્લિન ચીટ આપી દેતા, આ તપાસ સુરેન્દ્રનગરના એસપી રાઘવેન્દ્ર વત્સને સોંપાઇ હતી. રાઘવેન્દ્ર વત્સે દિનુ બોઘા સોલંકીને ક્લિન ચીટ આપતા ૨૦૧૨માં તેને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. કોર્ટે ત્યારબાદ સીબીઆઇને કેસ સુપરત કરવાનો હુકમ કર્યો હતો. આખરે ૨૦૧૩માં સીબીઆઇએ તપાસ કરી ભાજપના સાંસદ દિનુ બોઘા સોલંકીની ધરપકડ કરી હતી.
સીબીઆઈના વકીલે કોર્ટમાં દોષિતોને આજીવન કેદ અને સખતમાં સખત સજા કરવા રજૂઆત કરી હતી. જ્યારે બચાવ પક્ષના વકીલે પૂર્વ સાંસદ દીનુ બોઘાની વધુ ઉંમર થઈ ગઈ હોવાથી ઓછી સજા કરવાની માંગ કરી હતી. ત્યાર બાદ સીબીઆઈ કોર્ટે તમામ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન ૧૯૨ સાક્ષીમાંથી ૧૫૫ સાક્ષી ફરી ગયા હતાં. મોટી સંખ્યામાં સાક્ષીઓ ફરી જતાં અમિત જેઠવાના પિતા ભીખાભાઇ જેઠવાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેને ધ્યાને રાખી હાઇકોર્ટે મહત્ત્વના ૨૭ સાક્ષીને રિકોલ કર્યા હતાં. રિકોલ કરાયેલા દિનુ બોઘાના ફાર્મ હાઉસના નોકર રામા આઝા સહિત ૨૭ સાક્ષીઓની સીબીઆઇ કોર્ટમાં ફરીથી જુબાની લેવાઇ હતી. જેમાં પણ આ સાક્ષીઓ પોતાની જુબાનીમાં ફરી ગયા હતા.