(સંવાદદાતા દ્વારા) અમરેલી,તા.૨૮
અમરેલી તાલુકાના ચાંપાથળ ગામે આજે વાડીમાં રમી રહેલ બાળકો વચ્ચે માનવ ભક્ષી દીપડો ચડી આવતા એક ૫ વર્ષીય બાળકને દીપડો દબોચી ૨૦૦ મીટર દૂર ઢસડી કપાસના વાવેતરમાં લઇ જઈ ફાડી ખાતા બાળકનું કમકમાટી ભર્યું મોત નિપજતા સમગ્ર અમરેલી જિલ્લામાં અરેરાટી મચી જવા પામી હતી.
આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલી તાલુકાના ચાંપાથળ ગામે રહેતા સુરેશ મનુભાઈ નાકરાણીની વાડીમાં ખેત મજૂરી કરતા માનસિંગભાઈ કટારા પોતાના પરિવાર સાથે વાડીમાંજ રહી ખેત મજૂરી કરતા હોઈ, આજે સવારે ૧૦થી ૧૧ વચ્ચે વાડીમાં માનસીંગભાઈનો પુત્ર ચિરાગ (ઉ.વ.૫)નો તેમજ અન્ય ત્રણથી ચાર બાળકો રમી રહ્યા હતા ત્યારે અચાનક માનવભક્ષી દીપડો ચડી આવતા રમી રહેલ બાળકો પૈકી માનસીંગભાઈના પુત્ર ચિરાંગને દીપડા એ દબોચી લીધેલ હતો અને ૨૦૦ મીટર દૂર કપાસના વાવેતરમાં ઘુસી ગયો હતો.
બાળકોએ રાડા રાડ કરતા માનસિંગભાઈ તેમજ આજુબાજુના વાડી માલિકો અને ખેત મજૂરો આવી ગયા હતા અને ચિરાગને શોધતા કપાસના વાવેતરમાંથી ફાડી ખાધેલ હાલતમાં તેની લાશ મળી આવી હતી. માનવભક્ષી દીપડાએ ૫ વર્ષના બાળકનો શિકાર કરતા સમગ્ર જિલ્લામાં અરેરાટી મચી ગઈ હતી.