(સંવાદદાતા દ્વારા) કોડીનાર, તા.૧૮
દીપડાની રંજાડોના સમાચાર દરેક જંગલ વિસ્તારની નજીકના ગામોમાં સામાન્ય બન્યા છે ત્યારે કોડીનાર તાલુકામાં છેલ્લા ૩ દિવસમાં ૩ અલગ-અલગ જગ્યા પરથી દીપડા પકડવામાં વનતંત્રને સફળતા મળી છે. તા.૧પના તાલુકાના કાજ ગામે મનુભાઈ મેરામણભાઈ પરમારની વાડીમાં દીપડો પકડ્યા બાદ તા.૧૭ના જામનવાડા ગામે જ જેસિંગભાઈ દાનાભાઈ ચાવડાના રહેણાંકી મકાનમાં વાછરડાનું મારણ કરતાં પાંજરૂ મુકતા દીપડી પાંજરે પુરાઈ હતી. છેલ્લા ૧ માસથી માલગામ પાંચ પીપળવામાં બનેલ માનવ ઈજા બાદ સતત હાથ તાળી આપતા ચાલક દીપડાને ગત રાત્રે માલગામ-પાંચ પીપળવા બોર્ડર પર નીતિનભાઈ લખમનભાઈ મોરીની વાડીએ લાંબી જહેમત બાદ દીપડી તથા તેના ૩ બચ્ચાને પકડી પાડવામાં ફોરેસ્ટ સ્ટાફ આર.એફ.ઓ પાઠણભાઈ, મોરીભાઈ, મકવાનભાઈ, ગોહિલભાઈ, શાબિરભાઈ અને તેમની ટીમને સફળતા મળી છે. આ દીપડા પકડાતા ગ્રામજનોએ અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ટીમ દ્વારા છેલ્લા ૧ માસમાં તાલુકા ભરમાંથી ૧૦ દીપડાને પાંજરે પુરી લોકોને ભયમુક્ત કરાય છે.