કોડીનાર, તા.પ
કોડીનાર નજીકના હરમડિયા ગામે ઝાપા નજીક આવેલી પથ્થરની ખાણ પાસે રહેતો દેવીપૂજક પરિવાર રાત્રે ૯. કલાકે જમીને આરામ ફરમાવતો હતો. ત્યારે ફળીયામાં આ પરિવારની નેહા નામની ૩ વર્ષની બાળકી રમતી હતી. અચાનક જ જંગલ વિસ્તારમાંથી આવી ચડેલા દીપડાએ બાળકને બોચીમાંથી ઉપાડી નાસવા લાગ્યો હતો. બાળકીના દાદીમાંનું અચાનક ધ્યાન પડતા તેઓ પાછળ દોડિયા હતા અને બુમાબુમ કરતા પરિવારના લોકો ભેગા થઈ દીપડો બાળકીને લઈ જે ઝાડીમાં સંતાયો હતો. ત્યાં પહોંચી હાકલા પડકાર કરતા દીપડો બાળકીને છોડી જંગલ વિસ્તાર તરફ નાસી ગયો હતો. પરિવારજનો બાળકી પાસે પહોંચતા જ તેઓના હોશ ઉડી ગયા હતા. બાળકીને તેડી મોટર સાયકલ પર દવાખાને લઈ જવાની તૈયારી હતી ત્યાં જ કોડીનાર નરગપાલિકાની જીપ મળી અને આ જીપમાં તાત્કાલિક કોડીનાર રા.ના.વાળા હોસ્પિટલે લઈ આવ્યા હતા. ફરજ પરના તબીબે તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. ત્યારે બાળકીનો શ્વાસ બંધ હતો અને હૃદય પણ બંધ હતું. રા.ના.વાળા હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા પંપિંગ કરી હાર્ટ ચાલુ કરવામાં આવ્યો હતો. બાળકીને ગળાના તેમજ પડખાના ભાગે દીપડાના તીક્ષણ નહોર લાગવાના કારણે ૩૦થી વધુ ટાંકા લેવા પડ્યા છે. ડોક્ટરનું કહેવું છે કે માલિકની કૃપા અને સમયસર સઘન સારવારના કારણે બાળકીનો જીવ બચી ગયો છે. આગામી ર૪ કલાક હજુ ભયજનક ગણાય તેમજ હજુ ૩ દિવસ સઘન સારવાર કરવી પડશે. વનવિભાગના અધિકારીઓએ હોસ્પિટલે આવી વિગત મેળવી દીપડાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.