(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.રપ
રાજસ્થાનમાં દુષ્કર્મના ચર્ચાસ્પદ કેસમાં આજે આસારામને દોષિત જાહેર કરાતા રાજ્યની સાથે-સાથે દેશભરમાં ચર્ચા વ્યાપી જવા પામી છે. જેમાં ગુજરાતની પોલીસ અને સરકાર જે ન કરી શકી તે રાજસ્થાનની પોલીસ અને સરકારે કરી બતાવ્યું હોવાનો મુખ્ય સૂર બહાર આવી રહ્યો છે. મોટેરાના આસારામ આશ્રમમાં બે માસૂમ બાળકો દિપેશ અને અભિષેકના મૃત્યુના અત્યંત ચર્ચાસ્પદ બનાવને ૧૦-૧૦ વર્ષ વિત્યા છતા ગુજરાત સરકાર તેમાં કંઈ કરી શકી નથી. આ મુદ્દે સીબીઆઈની તપાસની માગણી છતાં માત્ર તપાસ પંચ રચ્યા બાદ તેનો અહેવાલ રજૂ થવા છતાં જાહેર કરી શકી નથી અને આ કેસની ક્રિમિનલ ફરિયાદની તપાસ સ્ટેટ સીઆઈડી ક્રાઈમે હાથ ધરી હતી અને તેમાં ચાર્જશીટ રજૂ થવા પામી છે. પરંતુ કેસનો હજુ સુધી ફેંસલો આવ્યો નથી ત્યારે રાજ્ય સરકારની આ કેસ અંગેની નીતિ-રીતિને લઈ પ્રજાજનોમાં અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા છે. સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર મોટેરા આસારામ આશ્રમના બે બાળકો દિપેશ-અભિષેકના ગુમ થયા બાદ તેઓના મૃતદેહો મળી આવવાના બનાવમાં તેઓના મોત આકસ્મિક નહીં પરંતુ ઈરાદાપૂર્વક હત્યા કરાયાના આક્ષેપો મોટા પાયે થયા હતા. ર૦૦૮માં બનેલા આ બનાવ અંગે અમદાવાદ સહિત રાજ્યમાં ભારે ઉહાપોહ અને દેખાવો બાદ સરકારે હાઈકોર્ટના નિવૃત્ત જજ ડી.કે. ત્રિવેદી પંચ રચી તેને તપાસ સોંપી હતી. ત્રિવેદી પંચે ર૦૧૩માં તપાસ અંગેનો અહેવાલ રાજ્યના ગૃહ વિભાગને સોંપી દીધો હોવા છતાં હજુ સુધી વિધાનસભા ગૃહમાં રજુ થયો નથી. એટલે કે પાંચ-પાંચ વર્ષથી અહેવાલ સરકાર પાસે હોવા છતાં તેને જાહેર કરવામાં ન આવતા અને આ સમગ્ર કેસમાં જાણે ઢાંક પિછોડો કરવામાં આવી રહ્યો હોય તેવા પ્રશ્નો છેલ્લા ઘણા લાંબા સમયથી ઉઠાવવામાં આવી રહ્યા છે. આ અંગે વિપક્ષ કોંગ્રેસ તથા તાજેતરમાં અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા વિધાનસભામાં મુદ્દો ઉઠાવવામાં આવવા છતાં સરકાર અહેવાલ જાહેર કરવા કે તે અંગે કોઈ ખાસ સ્પષ્ટતા કરતી નથી. દર વર્ષે આ દૃશ્ય ઉઠાવવા છતાં સરકાર તેમાં આગળ વધતી ના હોઈ આસારામને બચાવવા માંગતી હોવાના સરકાર સામે આક્ષેપો પણ થઈ રહ્યા છે. ત્યારે રાજસ્થાનમાં આસારામને જેલ હવાલે કરાયા બાદ તેનો કેસ ચલાવી આ રીતે સજા અપાતા ગુજરાત મુદ્દે ચર્ચાએ વધુ વેગ પકડ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે રચેલા ડી.કે. ત્રિવેદી પંચે ર૦૦ જેટલા સાક્ષીઓની નિવેદનો કમિશને નોંધ્યા હતા. તેમાં આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઈના નિવેદનનો પણ સમાવેશ થાય છે. અનેક સમન્સને નજર અંદાજ કર્યા પછી ડિસેમ્બર ર૦૧રમાં આસારામ કમિશન સમક્ષ નિવેદન નોંધાવવામાં આવ્યા હતા. આસારામના વકીલ બી.એમ. ગુપ્તાએ કહ્યું હતું કે આ અહેવાલ રાજ્ય સરકારને સુપરત થાય તે તારીખથી છ મહિનાની અંદર વિધાનસભાગૃહમાં રજૂ કરવો જોઈએ. જો આમ ન થાય તો કાયદાકીય રીતે આ અહેવાલનું કોઈ મહત્ત્વ રહેતું નથી. આ કેસની ક્રિમિનલ ફરિયાદની તપાસ સ્ટેટ સીઆઈડી ક્રાઈમ કરી રહી છે. ર૦૦૯માં આશ્રમના સાત ભક્તોની ધરપકડ કરી હતી. ર૦૧૪માં આ કેસ અંગે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ હતી. આ કેસમાં બાળકોના પિતાએ સીબીઆઈ તપાસની પણ અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટ સમક્ષ કરી હતી, જેને કોર્ટે ર૦૧૪માં ફગાવી દીધી હતી. હાલમાં આ કેસની ટ્રાયલ ચાલી રહી છે.