(એજન્સી) નવી દિલ્હી, તા.રર
ફિલ્મ અભિનેતા કમલ હાસને ફિલ્મ અભિનેત્રી દીપિકા પદુકોણની તરફેણ કરી હતી. તેઓ દીપિકાના સમર્થનમાં આગળ આવ્યા હતા. સંજય લીલા ભણસાલીની વિવાદોમાં ફસાયેલી ફિલ્મ ‘પદ્માવતી’માં પાદુકોણ મુખ્ય ભૂમિકામાં છે. રાજપૂત સમાજ અને અન્ય રાજકીય નેતાઓ દ્વારા વિરોધના પગલે ‘પદ્માવતી’ની રિલીઝ પાછળ ઠેલાઈ હતી. તાજેતરમાં હરિયાણાના ભાજપ નેતાએ ભણશાલી અને દીપિકાના માથા માટે રૂા.૧૦ કરોડના ઈનામની જાહેરાત કરી હતી. ભાજપ તરફથી આ નેતાને નોટિસ પાઠવાઈ હતી. કમલ હાસને જણાવ્યું હતું કે હું દીપિકાના માથાને બચાવવા માંગું છું. મને તેના પ્રત્યે સન્માન છે. તેની સ્વતંત્રતા છીનવી શકાય નહીં. રાજપૂત સમાજના આરોપો છે કે આ ફિલ્મમાં ‘પદ્માવતી’ના પાત્રમાં ફેરફાર કરાયો છે. ઈતિહાસને વિકૃત રીતે દર્શાવવામાં આવ્યો છે. ‘પદ્માવતી’ રાજસ્થાનના ચિત્તોડના રાણી હતા. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મે ટેકનિકલ કારણો આગળ ધરી આ ફિલ્મ સંબંધિત અરજી ફગાવી દીધી હતી.