નવી દિલ્હી, ૨૮
સંજય લીલા ભણસાલી અને દીપિકાપાદુકોણની હત્યા કરનારાને ૧૦ કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરનારા હરિયાણાના ભાજપના મીડિયા કોઓર્ડિનેટર સુરજપાલ આમુએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સુરજપાલે એ વાત પર ખેદ વ્યક્ત કર્યો કે, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે મંગળવારે કરણી સેનાના પ્રતિનિધિઓ સાથેની બેઠકને માંડી વાળી હતી. આમુએ રાજ્યના ભાજપના અધ્યક્ષ સુભાષ બરાલાને વોટ્‌સએપ પર રાજીનામું મોકલ્યું હતું. આ રાજીનામુ એવા સમયે આવ્યું છે જ્યારે રાજ્યના પક્ષના એકમે તેમને નોટિસ મોકલી વિવાદાસ્પદ નિવેદન પર ખુલાસો માગ્યો હતો. આમુએ પોતાના રાજીનામા સાથે જણાવ્યંુ હતું કે, છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ સંપૂર્ણ નિષ્ઠાથી પાર્ટી માટે કામ કરી રહ્યા હતા પરંતુ એવું લાગે છે કે, મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને આવા કામ અને સભ્યોની જરૂર નથી. તાજેતરમાં જ કટ્ટરપંથી નેતાએ ઉત્તરપ્રદેશના મેરઠમાં સંજય લીલા ભણસાલી અને દીપિકા પાદુકોણની હત્યા કરનારા માટે પાંચ કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી. કટ્ટરપંથી જૂથો પદ્માવતી ફિલ્મમાં ઇતિહાસને બદલી નાખવાનો આરોપ લગાવી ફિલ્મમેકરો સામે વિરોધ કરી રહ્યા છે. પહેલી ડિસેમ્બરે રીલિઝ થનારી ફિલ્મને ફિલ્મમેકરોએ પણ રદ કરી દીધી છે. સેન્સર બોર્ડ નામે જાણીતી સીબીએફસીએ પણ બે વખત ફિલ્મને રીલીઝકરવાની અરજી ફગાવી દીધી છે. જોકે, બ્રિટિશ સેન્સર બોર્ડ દ્વારા પદ્માવતી ફિલ્મ કોઇ સીન્સ કટ વિના પસાર કરી દેવામાં આવી છે. આમુએ તાજેતરમાં જ જણાવ્યું હતું કે, જે કોઇ સંજય લીલા ભણસાલી અને દીપીકા પાદુકોણના માથાં કાપશે તેને ૧૦ કરોડ રૂપિયાનું ઇનામ આપશે અને તેમના પરિવારનું ધ્યાન પણ રાખશે. જે લોકો રાજપૂત સમાજનું અપમાન કરે છે તેમને કઇ રીતે સીધા કરવા તે અમે જાણીએ છીએ. આ વિવાદ પર મૌન સાધનારા માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાની પર ખ્યાતનામ અભિનેત્રી શબાના આઝમીએ આકરા પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત તેમના પતિ જાવેદ અખ્તરે પણ ઇતિહાસ અંગે સવાલો ઉઠાવ્યા હતા.