(સંવાદદાતા દ્વારા) ડીસા,તા.૨૨
દિલ્હીથી શરૂ કરાયેલી સાયન્સ એક્સપ્રેસ ટ્રેઈન મંગળવારે ડીસા રેલવે સ્ટેશન આવી પહોંચી હતી. વિજ્ઞાનક્ષેત્રે બાળકોનો રસ જાગૃત કરવા અને તેમના માનસિક વિકાસ માટે આ સાયન્સ એક્સપ્રેસનું આયોજન કરાયંુ છે.જે દેશના વિવિધ શહેરોમાં ફરી રહી છે.
સાયન્સ એક્સપ્રેસ ભારત સરકારનો વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વિશેષ પ્રકલ્પ છે. આ ૧૬ ડબ્બાની એ/સી પ્રદર્શન ટ્રેન ઑક્ટોબર, ૨૦૦૭થી સંપૂર્ણ ભારતમાં ભ્રમણ કરી રહી છે. હજી સુધી ૧,૯૦,૦૦૦ કિલોમીટરના પ્રવાસ પૂર્ણ કરી આ ટ્રેને આઠ વખત દેશનો પ્રવાસ કર્યો છે. અંદાજે ૧૨ વખત લિમ્કા બૂક ઑફ વર્લ્ડ રૅકોર્ડમાં તેની નોંધ કરાઇ છે. વિજ્ઞાન, ટેક્નોલોજી,ગ્લૉબલ વૉર્મિંગ જેવા વિવિધ વિષયો પર આ ટ્રેનમાં પ્રદર્શન રજૂ કરવામાં આવે છે. ભારત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ (ડીએસટી), વન, પર્યાવરણ અને જળવાયું પરિવર્તન વિભાગ (એમઓઇએફસીસી), રેલવે મંત્રાલય, ભારતીય વન્ય જીવ સંસ્થા (ડબ્લ્યુઆઇઆઇ) અને વિક્રમ એ. સારાભાઇ કમ્યુનિટી સાયન્સ સેન્ટ દ્વારા આ ટ્રેનને સફળ બનાવવા માટે અથાગ પ્રયત્ન કરવામાં આવ્યા છે.
મંગળવારે આ ટ્રેન બનાસકાંઠાના ડીસા રેલવે સ્ટેશન પર આવી પહોંચી હતી અને ગુરૂવાર સુધી અહીં રહેશે.ત્યારબાદ ભુજ જશે. પ્રદર્શન દરેક માટે ખુલ્લુ છે અને નિઃશુલ્ક છે.
ડીસામાં પ્રથમદિવસે જ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ આ સાયન્સ ટ્રેનના માધ્યમથી મનોરંજનની સાથે ઘણી રસપ્રદ અને ઉપયોગી માહિતી મેળવી રહ્યા છે. દેશવિદેશના વિવિધ જાતના પશુ-પંખીઓ ઉપરાંત બાયો ડાયવર્સીટી, કેમેસ્ટ્રી જેવા વિષયો પર બાળકોએ જ્ઞાન પ્રાપ્ત કર્યુ અને આ સાયન્સ ટ્રેનની ઉત્સાહપૂવર્ક પ્રશંસા કરી હતી.
રેલ્વે મંત્રાલય અને વિક્રમ સારાભાઈ કમ્યુનીટી સાયન્સ સેન્ટરના સંયુકત ઉપક્રમે આ ટ્રેન શરૂ કરવામાં આવી છે. જેના દ્વારા મનોરંજનની સાથે પર્યાવરણ સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પ્રથમ દિવસે ડીસામાં અંદાજે ૧૦ હજાર લોકોએ આ ટ્રેનનું નિદર્શન કર્યુ હતું.ડીસામાં સાયન્સ ટ્રેન આવી તેનું મેનેજમેન્ટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને કરવાનું હતું.પણ ટ્રેન આવી ત્યાં સુધી કચેરીનો કોઈ સ્ટાફ દેખાતો ન હતો.જ્યારે કલેકટર પણ સમય સર ઉદ્ઘાટન કરવાં ન આવતા શિક્ષકોએ જાતેજ પ્રદર્શન શરૂ કરી દીધું હતું.બાળકો માટે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા કરાઈ ન હતી.બાળકો બાજુમાં આવેલ ઝૂંપડામાં પાણી પીવા મજબૂર બન્યા હતા.