(એજન્સી) નવી દિલ્હી,તા.૧૪
ફટાકડાના વેચાણ પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યા બાદ આર.એસ.એસ. તરફથી આ કેસ અંગે પહેલીવાર કોઈ નિવેદન સામે આવ્યું છે. આર.એસ.એસ.ના સહકાર્યવાહક ભૈયાજી જોષીએ કહ્યું કે બધા જ ફટાકડા પ્રદૂષણ ફેલાવનારા નથી હોતા. પર્યાવરણનું રક્ષણ થવું જોઈએ. પ્રદૂષણ ફેલાવતા ફટાકડા પર પ્રતિબંધ મુકાવો જોઈએ. જો આવી જ પરિસ્થિતિ રહી તો કાલે કોઈ દીવો પ્રગટાવવા પર પણ પ્રશ્ન ઉઠાવી શકે છે, કારણ કે દીવાઓમાંથી પણ ધૂમાડો નીકળે છે. દીવો પ્રગટાવવાથી પ્રદૂષણની વાત ચર્ચામાં આવશે. ત્યારે શું કરશો ?
સુપ્રીમ કોર્ટે શુક્રવારે દિવાળીના તહેવાર નિમિત્તે ફટાકડા પર મુકાયેલા પ્રતિબંધને દૂર કરવાનો ઈન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ફટાકડા પરના પ્રતિબંધનો નિર્ણય તે નહીં બદલે પરંતુ કોર્ટે તે સ્પષ્ટ કરી દીધું કે જેમની પાસે પહેલેથી ફટાકડા છે તેઓ ફટાકડા ફોડી શકે છે. ફટાકડાના પ્રતિબંધની વિરૂદ્ધ ફટાકડાના વેપારીઓએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. વેપારીઓએ કોર્ટને અપીલ કરી હતી કે તે પોતાના આદેશમાં ફેરફાર કરે નહીં તો તેઓ સંપૂર્ણ રીતે બરબાદ થઈ જશે. પરંતુ સુનાવણી પહેલાં આ પુનઃવિચારની વિરૂદ્ધ આઈ.એચ.આર.ઓ. જેવા સંગઠનોએ પણ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવીને સર્વોચ્ચ અદાલતને પોતાના નિર્ણય પર અડગ રહેવાની અપીલ કરી હતી. બીજી તરફ, મુંબઈમાં પ્રતિબંધથી પરેશાન ફટાકડાના વેપારીઓએ ગુરૂવારે શિવસેનાના અધ્યક્ષ ઉદય ઠાકરે સાથે મુલાકાત કરી. વેપારીઓએ તેમને જણાવ્યું કે કોર્ટના ચુકાદા બાદ તેમને બંને મહાનગર પાલિકાઓમાંથી લાયસન્સ આપવામાં આવી રહ્યું નથી.
બેઠક બાદ મહારાષ્ટ્રના મંત્રી રામદાસ કદમે વિશ્વાસ અપાવ્યો કે હિન્દુઓના તહેવાર પર અન્યાય નહીં થવા દઈએ. મધ્યપ્રદેશમાં પણ રાજ્ય સરકારે દિવાળી પર વધારે ઘોંઘાટ પેદા કરનારા ફટાકડાના વેચાણ, ઉત્પાદન અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પણ ફટાકડાના લાયસન્સ પર બંને રાજ્યોને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે. આ દરમ્યાન ગુરૂગ્રામ પ્રશાસને લોકોને દિવાળી પર ફટાકડા ફોડવા માટે થોડી છૂટ આપી છે. ગુરૂગ્રામમાં લોકો સાંજે ૬થી રાત્રિના ૧૦ કલાક સુધી ફટાકડા ફોડી શકશે.