(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૦
સમગ્ર દેશભરના ચકચારિત બિટ-કનેક્ટ પ્રકરણમા આરોપી દિવ્યેશ દરજીના પોલીસ રિમાન્ડ લેવાયા બાદ સીઆઈડી ક્રાઈમ તેની કડક પૂછ-પરછ માટે અમદાવાદ ગાંધીનગર ખાતે લઈ ગઈ હોવાનું જાણવા મળે છે. જોકે, તપાસ અધિકારી પીઆઈ નરવડે બિટકોઈન પ્રકરણના સૂત્રધાર અને અપહરણનું તરકટ રચનાર શૈલેષ ભટ્ટની કોશિંગ પીટીશનની સુનાવણીમાં હાઈકોર્ટમાં ઉપસ્થિત રહેનાર છે. એટલે આરોપીની પૂછપરછ મોડી સાંજ પછી કરવામાં આવશે. આરોપી દિવ્યેશ દરજીની પૂછપરછ ટીમ દ્વારા કરવામાં આવશે. એવું પણ જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ક્રિપ્ટો કરન્સીના રેકેટમાં સીઆઈડી ક્રાઈમ આરોપી દિવ્યેશ દરજીની એરપોર્ટથી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી ૨૮મી ઓગસ્ટ સુધીના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસ રિમાન્ડ દરમિયાન જાન્યુઆરી ૨૦૧૭થી બિટ-કનેક્ટ કંપનીમાં સમગ્ર ભારતનો પ્રમોટર હોવાથી કોઈન વેચાણ, રોકાણ કમિશન વિગેરેની માહિતી દિવ્યેશની પૂછપરછ દરમિયાન બહાર આવશે. દિવ્યેશને કમિશન પેટે ૧૦ ટકા રકમ મળી છે. તેમાંથી તેણે કેટલી મિલ્કતો ખરીદી છે, અને ક્યાં ક્યાં ખરીદી છે તેની વિગતો પણ પુછપરછ દરમિયાન બહાર આવનાર હોવાનું જાણવા મળે છે.