અમદાવાદ,તા.૧૯
ગુજરાત વિધાનસભાની ૂંટણીને લઇ રાજય સરકાર દ્વારા પાટીદારો સામેના અમદાવાદ શહેર સહિત રાજયભરમાં થયેલા કેસો પાછા ખેંચવા બાબતે લેવાયેલા નિર્ણયને પગલે પાટીદારો વિરૂધ્ધના અમદાવાદના મહત્વના નવ કેસો દિવાળી પછી પાછા ખેંચાશે. અમદાવાદ જિલ્લા કલેકટરે આ અંગે મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટને સૂચના આપી દીધી છે. જેથી હવે સરકારપક્ષ દ્વારા દિવાળી બાદ કોર્ટમાં અરજી આપી પાટીદારો વિરૂધ્ધના આ નવ કેસો પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ કરાશે. આ નિર્ણયથી પાટીદારોને બહુ મોટી રાહત મળી છે. જો કે, હજુ સુધી હાર્દિક પટેલ અન્ય આરોપીઓ સામેના ખૂબ જ ગંભીર એવા રાજદ્રોહના કેસને પાછો ખેંચવા અંગે સરકારપક્ષને કોઇ સૂચના મળી નથી. જે કેસની મહત્વની સુનાવણી તા.૨૬મી ઓકટોબરે છે. આ દિવસે હાર્દિક પટેલે કરેલી ડિસ્ચાર્જ અરજીની પણ સુનાવણી હાથ ધરાશે. પાટીદાર અનામત આંદોલનને લઇ પાટીદાર નેતા હાર્દિક પટેલ અને તેના સાથીઓ વિરૂધ્ધ શહેર ક્રાઇમબ્રાંચમાં રાજદ્રોહના કેસની ગંભીર ફરિયાદ નોંધાઇ હતી. તો, અન્ય પાટીદાર યુવાનો અને આગેવાનો વિરૂધ્ધ શહેરના સેટેલાઇટ, શહેરકોટડા, કૃષ્ણનગર, રાણીપ, નરોડા, નવરંગપુરા, ક્રાઇમબ્રાંચ સહિતના પોલીસમથકમાં ગેરકાયદે મંડળી રચી જાહેરમિલક્તને નુકસાન અને પોલીસની ફરજમાં અવરોધ ઉભો કરવા સહિતના ગુના સબબ ફરિયાદો નોંધાઇ હતી. આ કેસના ટ્રાયલ પણ જે તે કોર્ટમાં ચાલી રહ્યા હતા. જેમાં હાર્દિક પટેલ સહિતના આરોપીઓ સામેના મુખ્ય અને સૌથી સંવેદનશીલ રાજદ્રોહના કેસની સુનાવણી ચાર્જફ્રેમના તબક્કે પડતર છે. દરમ્યાન ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીકમાં હોવાથી તાજેતરમાં પાટીદાર સમાજના મતોનું નુકસાન ભોગવવું ના પડે તે હેતુથી રાજય સરકારે પાટીદાર સમાજના આગેવાનો સાથે બેઠક યોજી સમાધાનનો પ્રયાસ કર્યો હતો અને તેમાં પાટીદાર સમાજના લોકો સામે જેટલા કેસો છે, તે પાછા ખેંચવાની સરકારે ખાતરી આપી હતી. સરકાર દ્વારા આ કેસો પાછા ખેંચવા જે તે જિલ્લા કલેકટરોને પણ તાકીદ કરાઇ હતી. જેના અનુસંધાનમાં અમદાવાદ જિલ્લા કલેકટરે પણ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટને પાટીદાર સમાજના લોકો વિરૂધ્ધના અમદાવાદ શહેરના મહત્વના નવ કેસો પાછા ખેંચી લેવા બાબતે સૂચના આપી હતી. જેથી સરકારપક્ષ તરફથી મુખ્ય સરકારી વકીલ દ્વારા હવે દિવાળી બાદ સેશન્સ કોર્ટમાં અરજી કરી પાટીદારો વિરૂધ્ધના આ કેસો પાછા ખેંચવા અદાલતને અનુરોધ કરાશે. જેથી આ કેસો તો પાછા ખેંચાઇ જશે પરંતુ હજુ સુધી હાર્દિક પટેલ અને તેના સાથીઓ વિરૂધ્ધના રાજદ્રોહના કેસને પાછો ખેંચવા અંગે કોઇ સત્તાવાર સૂચના નહી મળી હોવાથી પાટીદારોની નજર સૌથી વધુ આ કેસ પર છે, જેની મહત્વપૂર્ણ સુનાવણી તા.૨૬મી ઓકટોબરના રોજ હાથ ધરાનાર છે.