(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૫
રાજ્યની બિન-સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓને ૭મા પગાર પંચના અમલના કારણે ચૂકવવાના પગાર તફાવતની રકમનો પ્રથમ વાર્ષિક હપ્તો નવેમ્બર માસમાં ચૂકવવાની સરકારે જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આ નિર્ણયને કારણે આ શાળાઓ સાથે સંકળાયેલા ૬૧૦૦૦ જેટલા શિક્ષકો તથા કર્મચારીઓને લાભ થશે. નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના કર્મચારીઓને સાતમા કેન્દ્રીય પગાર પંચની ભલામણો પ્રમાણે સુધારેલ પગાર ધોરણો તા.૧/૧/૧૬થી આપવા સરકાર દ્વારા નિર્ણય કરાયો હતો. તદઅનુસાર રાજ્યની બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્ય. શાળાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓને ૭મા કેન્દ્રીય પગાર પંચની ભલામણો મુજબના નવા પગાર ધોરણ સ્કેલ ટુ સ્કેલના ધોરણે લાગુ પડવામાં આવ્યા છે, જે અનુસાર તા.૧/૮/૧૭થી દર માસના પગારમાં રોકડના ધોરણે ચૂકવવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો જ્યારે તા.૧/૧/૧૬થી ૩૧/૭/૧૭ સુધીના સમયગાળાના તફાવતની રકમ પાંચ સરખા વાર્ષિક હપ્તામાં ચૂકવવા અંગે રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે ઉપરોક્ત પગાર તફાવતની રકમ પૈકીના પ્રથમ વાર્ષિક હપ્તાની રકમ, નવેમ્બર માસમાં ચૂકવવાનો નિર્ણય કર્યો છે. આ ચુકવણીથી સરકારની તિજોરી પર અંદાજે રૂા.ર૦૪ કરોડનું ભારણ આવશે.