અમદાવાદ, તા.૨૮
નવરાત્રી પર્વ હવે પુરૂ થવા આડે છે અને દિવાળીનું પર્વ નજીક આવી રહ્યું છે. આ પરિસ્થિતિમાં અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી અત્યાર સુધીમા કુલ મળીને ૨૬૩ જેટલા પરવાનેદારો દ્વારા મ્યુનિસિપલ ફાયર વિભાગની એનઓસી મેળવી લીધી છે.આ અંગેની વિગત એવી છે કે,નવરાત્રી પર્વ પુરૂ થવા આડે હવે ગણતરીના કલાકો બાકી રહેવા પામ્યા છે ત્યારે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં કુલ ૨૬૩ જેટલા દારૂખાનુ વેચનારા પરવાનેદારો દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર એનઓસી મેળવવામા આવી છે.અમદાવાદ શહેરના રાયપુર દરવાજા અને દિલ્હી દરવાજા બહાર, માણેકચોક, કાલુપુર ટંકશાળ તેમજ શહેરના મણિનગર અને નરોડા સહિતના વિસ્તારોમા દારૂખાનુ હોલસેલ અને છુટકમા પણ વેચવામા આવતુ હોય છે.અમદાવાદ શહેરમા દિવાળીના સમયમા અગાઉના વર્ષોમા બનેલા આગના બનાવોને પગલે હાઈકોર્ટ દ્વારા પણ દારૂખાનુ વેચનારાઓ માટે ફાયર એનઓસી મેળવવી ફરજિયાત બનાવવાનો આદેશ કરવાની સાથે જ કેટલા લોકોને ફટાકડા વેચવા ફાયર વિભાગની એનઓસી આપવામા આવી તેની વિગતો માગવામા આવતી હોવાથી આ વર્ષે સમય પહેલા જ અમદાવાદ મ્યુનિસિપલ ફાયર વિભાગ દ્વારા શહેરમા દારૂખાનુ વેચનારા પરવાનેદારોને ફાયર એનઓસી મેળવ્યા બાદ જ ફટાકડા વેચવાની મંજુરી આપવાના નિયમનો કડક અમલ શરૂ કરાવ્યો છે.આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ ફાયરબ્રિગેડના ચીફ ફાયર ઓફિસર એમએફ દસ્તૂરે એક વાતચીતમા કહ્યુ કે,સામાન્ય રીતે દરવર્ષે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ૩૦૦થી વધુ પરવાનેદારો દ્વારા ફટાકડા વેચવા માટેની એનઓસી વિભાગ પાસે માંગવામા આવતી હોય છે.ગતવર્ષે શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ મળીને ૩૨૫ જેટલા પરવાનેદારો દ્વારા ફાયર એનઓસી માંગવામા આવી હતી.આ વર્ષે ૨૭ સપ્ટેમ્બર સુધીમા ૨૬૩ જેટલા લોકોએ માંગેલી ફાયર એનઓસી કલીયર કરવામા આવી છે.ફાયરની એનઓસી મેળવવા માટે સ્પ્રીંકલર રાખવા ઉપરાંત ચાર જેટલા પાણીના બેરલ સહિતની અન્ય સામગ્રી રાખવી જરૂરી હોય છે ઉપરાંત પાકુ બાંધકામ હોવુ જરૂરી છે.અમદાવાદ શહેરમા દર વર્ષે જેમ જેમ દિવાળીનો દિવસ નજીક આવતો જાય છે તેમતેમ અનેક વિસ્તારોમા નીતિનિયમોને નેવે મુકીને ફટાકડા વેચવામા આવતા હોય છે જે ગેરકાયદેસર હોવાનુ પણ તેમણે કહ્યુ છે.