(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૧૯
રાજ્યભરમાં આજે દિવાળી પર્વની ખૂબજ ધામધૂમથી હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ હતી. વેપારીઓ અને ધંધા રોજગાર ધરાવતા લોકોએ ચોપડાપૂજન કરી પૂજાવિધિ સંપન્ન કરી હતી. હવે આવતીકાલે નવા વર્ષની શરૂઆતમાં મોટાભાગના વેપારીઓ મુહુર્ત કરી પોતાના ધંધા રોજગાર પાંચમ સુધી બંધ રાખશે. બીજી તરફ દિવાળીને લઈ વિવિધ મંદિરોમાં ભક્તો દર્શન કરવા ઉમટી પડતા ભારે ભીડ જોવા મળી હતી. દિવાળીના પર્વને લઇ આજે વેપારીઓ અને ધંધા-રોજગાર ધરાવતા લોકો દ્વારા શુભમૂર્હુતમાં શારદાપૂજન અને ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. શહેરના શાહીબાગ, કાલુપુર, મણિનગર, મેમનગર સહિતના સ્વામિનારાયણ મંદિરોમાં તો વ્યાપારી વર્ગે ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થઇ સામૂહિક ચોપડાપૂજન કર્યું હતું. તો બીજીબાજુ, દિવાળીના તહેવારની મુખ્ય ત્રણ રાત્રિ એટલે કે, ધનતેરસ કાળીચૌદશ અને દિવાળીએ વેપારીઓએ પૂજા વિધિ સંપન્ન કરી હતી. શહેરના માણેકચોક, કાલુપુર, દરિયાપુર, રતનપોળ, ગાંધીરોડ સહિતના બજારોમાં વ્યાપારી વર્ગે દિવાળીના તહેવારને લઇ શુભમૂર્હુતમાં માં શારદાપૂજન અને ચોપડા પૂજન કર્યું હતું. તો બીજીબાજુ, શાહીબાગ, કાલુપુર, મણિનગર, મેમનગર સહિતના સ્વામિનારાયણ મંદિરોમાં તો વ્યાપારી વર્ગે ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થઇ સામૂહિક ચોપડાપૂજન કર્યું હતું. આજના આધુનિક કોમ્પ્યુટરના હાઇટેક યુગમાં હવે ચોપડાઓનું સ્થાન કોમ્પ્યુટર લેપટોપ અને ટેબલેટે લીધુ હોવાથી કેટલાક વેપારીઓએ લેપટોપ, કોેમ્પ્યુટર અને ટેબલેટનું પણ પૂજન કર્યું હતું. જો કે, ચોપડાપૂજનની પરંપરામાં સહેજપણ ઓછપ આવી ન હતી.