(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૪
વડોદરાની એમ.એસ. યુનિ.માં ફેબ્રુઆરી માસમાં યોજાનારા યુથ ફેસ્ટીવલનું નામકરણ કરવાનાં કાર્યક્રમમાં આજે ડી.જે. લાવવામાં મુદ્દે વિવાદ થયો હતો. યુનિ. જી.એસ.એ. તમામ પરવાનગીની પ્રક્રિયા પૂર્ણ કરી હોવા છતાં તેઓને ડી.જે. વગાડવાની ના પાડતા હોબાળો મચ્યો હતો.
એમ.એસ. યુનિ.માં ૩જી ફેબ્રુઆરીથી યુથ ફેસ્ટીવલનો આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટીવલમાં નામકરણ માટે આજે યુનિ.માં મ્યુઝીકલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જો કે, કાર્યક્રમ યોજાઈ તે પહેલા વિવાદમાં આવ્યો હતો. પરવાનગી વિના ડી.જે. લાવવા તેઓને અટકાવતા ભારે હોબાળો મચ્યો હતો. મ.સ. યુનિવર્સિટીના જી.એસ. રાકેશ પંજાબીનાં જણાવ્યા અનુસાર તેઓએ મહિના અગાઉ યુનિ. સત્તાધીશો તેમજ પોલીસની પરવાનગી લીધી છે. તેમ છતાં આજે કાર્યક્રમમાં તેઓને ડી.જે. વગાડતા અટકાવ્યા હતા. આ કાર્યક્રમમાં ડી.જે. વગાડવાની પરવાનગી લેવામાં નહીં આવી હોવાથી તેઓને અટકાવ્યા હોવાનું કબુલ્યું હતું. જો કે, અંતે સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. આ કાર્યક્રમ ટાણે એ.જી.એસ.જી. અને એન.એસ.યુ.આઈ.ના વિદ્યાર્થી જુથો પોસ્ટર લગાવવા મુદ્દે બાખડયા હતા. કોમર્સ ફેકલ્ટીનાં ઇમારત પર બંને જુથનાં વિદ્યાર્થીઓએ બેનર લગાવવાની જીદ પકડતા શાબ્દીક બોલાચાલી અને ધક્કા-મુક્કીનાં દ્રશ્યો સર્જાયા હતા.
વિવાદ ઉગ્ર બનતા વિજીલન્સની ટીમે બંને ગ્રુપના બેનરો હટાવી મામલો શાંત પાડયો હતો. કાર્યક્રમમાં સ્પીકર વગાડવાની પરવાનગી હતી. ડી.જે. આવતા તેને રોકયું હતું. બેનરનાં લોચીંગનાં કાર્યક્રમમાં યુનિ.સત્તાધિશો તરફથી સ્પીકર વગાડવાની પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ કાર્યક્રમ પૂર્વ ફેકલ્ટીમાં ડી.જે. સાથે વાહન પ્રવેશતા તેને રોકવામાં આવ્યું હતું. હાલમાં જે પ્રમાણેની પરવાનગી લીધી છે તે પ્રમાણે ૪ સ્પીકર મુકતા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો તેમ વિજીલન્સના હેડ પી.પી. કાનાણીએ જણાવ્યું હતું.