(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
પ્રવર્તમાન નિર્દેશાલય ઈડીએ કર્ણાટકના પ્રધાન ડી.કે. શિવકુમાર અને બીજાઓ સામે નાણાકીય હેરાફેરી ટેક્ષ ચોરી અને હવાલા મારફતે નાણાની લેવડ-દેવડનો કેસ દાખલ કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે કેસ હવાલા લેણ-દેણ બાબતે દાખલ કરાયો છે. તેમના ત્રણ સહયોગીઓ કર્ણાટક ભવનના સહાયક લાવઝન, અંજૈયા, પૂર્વ અધિકારી રાજેન્દ્રનું નામ પણ સામેલ છે. આરોપો મુજબ શિવકુમાર કાળું નાણું દિલ્હીના ઘણા ફલેટોમાં રાખતા હતા. આવકવેરા વિભાગે છાપો મારી ૮ કરોડથી વધુની રકમ દિલ્હીના ઠેકાણાઓ પરથી જપ્ત કરી હતી. જે ધન શિવકુમારની સૂચના મુજબ જે તે સ્થળે મોકલાતું હતું. ગયા વર્ષ જ્યારે શિવકુમારના નિવાસેથી જંગી રકમ જપ્ત કરાઈ ત્યારે શિવકુમારે તેનું સ્ત્રોત બતાવી શકયા ન હતા. દરોડાને ભાજપનું કાવતરૂં બતાવાયું હતું. ડી.કે. શિવકુમાર કર્ણાટકના દિગ્ગજ નેતા છે. તે ધનિક છે. ઈડીએ બેંગ્લોરની વિશેષ અદાલતમાં શિવકુમાર સામે આરોપપત્ર દાખલ કર્યું છે. આરોપીઓને ફરીથી નિવેદન માટે બોલાવાશે. તેમના પર આવકથી વધુ ધનની હેરાફેરીનો આરોપ છે. શિવકુમાર સહિત સચિન નારાયણ અને અંજનેય હનુમનથૈયા અને એન.રાજેન્દ્ર પણ આરોપી છે. તમામ પાંચ આરોપીઓએ કરચોરીનું કાવતરું રચ્યું હતું. ઓગસ્ટમાં દિલ્હીમાં છાપો મારી આવકવેરાએ ર૦ કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી. જેની સાથે શિવકુમારને સંબંધ છે. કર્ણાટકની ચૂંટણીમાં ડી.કે. શિવકુમારને પોલિટીકલ પંડિતો મેન ઓફ ધ મેચથી નવાજ્યા હતા. કર્ણાટકની જીતના અસલી હીરો શિવકમારને બતાવાય છે. સિદ્ધારમૈયા સરકાર પર ગેરકાયદેસર ખનનનો આરોપ લાગ્યો હતો તો ડી.કે. શિવકુમાર પર ટેક્ષ ચોરીનો અને તેમના ભાઈ પર ૬૬ એકર જમીન કબજે કરવાનો આપો લાગ્યો છે.