(એજન્સી) પટના, તા. ૨૬
તમિલનાડુના વિપક્ષોએ રાજભવન દ્વારા જેલની સજાની ધમકી આપવાના નિવેદન સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે જેમાં કહેવાયું છે કે, રાજ્યપાલના કામમાં અડચણ નાખનારાને જેલની સજા સુધીનો સામનો કરવો પડશે. આ નિવેદન ડીએમકેના ૧૯૦ ધારાસભ્યોની ધરપકડ બાદ આવ્યું છે જેઓ નમક્કલમાં રાજ્યપાલના કાફલાને કાળા વાવટા દેખાડ્યા હતા અને બાદમાં તેમની આ બદલ ધરપકડ કરવામાં આવી હતી અને રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા. પોતાના સાથીઓના રિમાન્ડ વિરૂદ્ધના દેખાવોમાં ડીએમકેના કાર્યકારી અધ્યક્ષ એમકે સ્ટાલિને પણ શનિવારે પોતાના ધારાસભ્યો અને ૪૦૦ જેટલા કાર્યકરો સાથે રાજ્યપાલના નિવાસ તરફ કૂચ કરી હતી. આ તમામની પણ ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ સ્ટાલિને દેખાવ દરમિયાન રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત અને રાજ્ય સરકાર સામે કાળા વાવટા દેખાડવાને લોકશાહી પગલું ગણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે, રાજભવન તરફથી દેખાવકારોને જેલની સજાની ધમકી એવા લોકોને મળી રહી છે જેઓ બંધારણ હેઠળની શક્તિ નષ્ટ કરવાથી રાજ્યપાલને રોકવા માગતા હતા. રાજ્યપાલની કચેરીએ એ યાદ અપાવ્યું હતું કે, આઇપીસીની ૧૨૪ કલમ હેઠળ રાજ્યપાલની કચેરી સંરક્ષિત છે જેમાં કહેવાયું હતું કે, આ નિયમોનો જે ભંગ કરશે તેઓને સાત વર્ષ સુધીની જેલની સજા અને દંડનો સામનો કરવો પડશે અને એમ પણ જણાવ્યું હતું કે, સરકારનું કામકાજ જોવા માટે રાજ્યપાલ આ પ્રકારની જિલ્લાઓની મુલાકાત લેતા રહેશે. રાજ્યપાલ દ્વારા વિવિધ રાજ્યોની મુલાકાત લેવા સામે ડીએમકેએ વિરોધ વ્યક્ત કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે, રાજ્યપાલ સરકારની સમાંતર ચાલીને રાજકારણ રમી રહ્યા છે.