(એજન્સી) ચેન્નઇ, તા. ૯
ડીએમકેના વડા એમ. કરૂણાનિધિના નિધન પછી તેમના પુત્ર એમકે સ્ટાલિન ડીએમકેની સત્તા સંભાળશે. પોતાના પિતા કરૂણાનિધિની અનુપસ્થિતિમાં એમકે સ્ટાલિન લોકસભાની આગામી ચૂંટણીઓમાં પ્રથમ વાર ડીએમકેનું નેતૃત્વ સંભાળશે. સ્ટાલિન કોણ છે અને શા માટે તેઓ કરૂણાનિધિના વધુ સ્વીકાર્ય વારસદાર છે. ૨૦૦૯ની ૨૯મી મે ના રોજ તમિળનાડુના રાજ્યપાલ સુરજીતસિંહ બરનાલા દ્વારા સ્ટાલિનને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિયુક્ત કરાયા હતા. ફેબ્રુઆરી ૨૦૧૭માં સ્ટાલિનને ‘રાઇઝિંગ સન’ના પ્રતીક સાથે ડીએમકેના કાર્યકારી પ્રમુખ નિયુક્ત કરાયા હતા.કરૂણાનિધિ અને તેમનાં બીજા પત્ની દયાલુ અમ્માલના પુત્ર સ્ટાલિનનો ૧૯૫૩ની પહેલી માર્ચે જન્મ થયો હતો. સોવિયેત સંઘના નેતા જોસેફ સ્ટાલિનના નામ પરથી સ્ટાલિનનું નામ રાખવામાં આવ્યું હતું. સ્ટાલિનના જન્મના ચાર વર્ષ બાદ જોસેફ સ્ટાલિનનું મૃત્યુ નીપજ્યું હતું. કરૂણાનિધિ સ્ટાલિનને પોતાના રાજકીય અનુગામી બનાવવા માગતા હતા. સ્ટાલિને મદ્રાસ યુનિવર્સિટીની ચેન્નઇની ન્યૂ કોલેજથી ઇતિહાસમાં ગ્રેજ્યુએશન કર્યું છે. સ્ટાલિને ૧૫ વર્ષની વયે જ ડીએમકેનો પ્રચાર શરૂ કરી દીધો હતો. જોકે, કરૂણાનિધિ અને તમિળનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એમજી રામચન્દ્રને સફળ દ્રવિડ નેતા તરીકેનો દાખલો બેસાડ્યો છે. ૧૯૮૯થી ચેન્નઇના થાઉઝન્ડ લાઇટ્‌સ મતવિસ્તારમાંથી વિધાનસભામાં ચાર વાર ચૂંટાઇ આવેલા સ્ટાલિન ૧૯૯૬માં શહેરના પ્રથમ સીધી રીતે ચૂંટાયેલા મેયર બન્યા હતા. ત્યાર પછી સ્ટાલિન કોલાથુર વિધાનસભા મતવિસ્તારમાંથી ૨૦૧૧ અને ૨૦૧૬માં બે વાર ચૂંટાઇ આવ્યા હતા. ૨૦૦૬ની વિધાનસભા ચૂંટણી બાદ સ્ટાલિન તમિળનાડુ સરકારમાં ગ્રામીણ વિકાસ અને સ્થાનિક વહીવટીતંત્ર વિભાગના પ્રધાન બન્યા હતા.