ચેન્નાઈ,તા.૧૯
દ્રવિડ મુનેત્ર કઝગમે (ડીએમકે) આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડયો હતો. જેમાં અનેક વચનો આપ્યા છે. જેમાં રાજીવ ગાંધીના હત્યારાઓને મુકત કરવાનો વચન પણ સામેલ છે. ડીએમકેના અધ્યક્ષ એમ.કે. સ્ટાલિને કહ્યું ડીએમકે ભારત સરકારને અને રાષ્ટ્રપતિને વિનંતી કરશે કે એ તામિલનાડુના રાજયપાલને નિર્દેશો આપે કે એ રાજીવ ગાંધીની હત્યા કેસમાં જેલ ભોગવી રહેલ સાત કેદીઓના મુકિતના આદેશને મંજૂરી આપે. સુપ્રીમકોર્ટે પણ એમને મુકત કરવા મંજૂરી આપી છે અને રાજય સરકારની કેબિનેટે પણ પ્રસ્તાવ મંજૂર કર્યો છે. પણ રાજયપાલ સંમતિ આપતા નથી.
એમણે વચન આપ્યું કે અમે તામિલનાડુમાં વસવાટ કરતા શ્રીલંકાના શરણાર્થીઓને નાગરિકતા આપીશું. શિક્ષણ ક્ષેત્રે એમણે કહ્યું કે અમે નીટને રદ કરીશું. વિદ્યાર્થીઓને અપાયેલ લોનો માફ કરીશું. શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને રેલવેની મુસાફરી મફત કરવા સગવડ અપાશે. સ્ટાલિને કહ્યું કે જો અમે સત્તામાં આવીશું તો નોકરીની તકો ઉભી કરીશું અને હાલમાં કેન્દ્ર સરકારની જે જગ્યાઓ તામિલનાડુમાં ખાલી પડેલ છે એમાં ભરતી કરીશું. કેન્દ્રની સરકારી કચેરીમાં તમિલને અધિકૃત ભાષા તરીકે જાહેર કરીશું. અનામતોનો અમલ ખાનગી ક્ષેત્રમાં પણ કરાવીશું.
તામિલનાડુમાં લોકસભાની ૩૯ બેઠકો છે. ડીએમકેએ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યો છે એ મુજબ ર૦ બેઠકો ઉપર ડીએમકે અને બાકીની બેઠકો ઉપર કોંગ્રેસ સહિતના અન્ય સાથી પક્ષો ચૂંટણી લડશે. તામિલનાડુમાં બધી જ બેઠકો ઉપર એક જ તબકકામાં ૧૮મી એપ્રિલે મતદાન યોજાશે.