અમદાવાદ,તા. ૨૫
અસારવાની સિવિલ હોસ્પિટલમાં આવેલા ટ્રોમા સેન્ટરના પાર્કિંગમાં ફરી એક વાર ડોક્ટર પર હુમલાની ઘટના બની છે. આજે વહેલી સવારે ટ્રોમા સેન્ટરના પાર્કિંગમાં સાથી ડોક્ટરો સાથે ઊભેલા જુનિયર ડોક્ટર પર હેલ્મેટ પહેરીને આવેલા બે અજાણ્યા શખસોએ હુમલો કરી નાસી છૂટતાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ હુમલાને પગલે ડોકટરોમાં ફરી નારાજગી ફેલાઇ હતી અને જુનીયર ડોકટરો ફરી હડતાળ પર ઉતરી ગયા હતા. શાહીબાગ પોલીસે આ બનાવ અંગે હુમલાખોર શખ્સોની શોધખોળ આરંભી છે. બીજીબાજુ, ડોકટરોની હડતાળને પગલે સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને સગાવ્હાલાઓ ભારે હાલાકીમાં મૂકાઇ ગયા છે. સિવિલ હોસ્પિટલ સંકુલમાં સતત બીજા દિવસે ડોક્ટર પર હુમલાની ઘટના બનતાં જુનિયર ડોક્ટરો ફરી એક વાર હડતાળ પર ઊતરી ગયા છે. તેઓની એક જ માગ છે કે ડોક્ટરો પર કરાતા હુમલાને રોકવામાં આવે અને આવાં તત્ત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. બુધવારે મોડી રાત્રે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં દર્દીનાં સગાંએ ઓપરેશન થિયેટરમાં જઇને કેટલાક ડોક્ટરો સાથે મારામારી કરી હતી, જેના પગલે ગઇકાલ સવારથી રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઊતરી ગયા હતા. ડોક્ટરોની એક જ માગ હતી કે માર મારનાર શખસોની વિરુદ્ધમાં ફરિયાદ નોંધી તેઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. ડોક્ટરોની હડતાળને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આરોપીઓને પકડવાની ખાતરી આપી તાત્કાલિક બે આરોપીઓની ધરપકડ કરી લેતાં ડોક્ટરોએ સાંજ સુધીમાં હડતાળ સમેટી લીધી હતી. પરંતુ આ ઘટનાને હજુ ૨૪ કલાક પણ વીત્યા ન હતા અને ફરી પાછું આજે સવારે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા જુનિયર ડોક્ટર તેમના સાથી મિત્રો સાથે ટ્રોમા સેન્ટરના ર્પાકિંગમાં ઊભા રહી વાતચીત કરતા હતા તે દરમિયાનમાં હેલ્મેટ પહેરેલા બે અજાણ્યા શખસો આવ્યા હતા અને જુનિયર ડોક્ટર પર હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ બંને શખસ ત્યાંથી નાસી ગયા હતા. ઘટનામાં ઇજાગ્રસ્ત ડોક્ટરને સિવિલમાં જ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ જુનિયર ડોક્ટરોને જાણ થતાં તેઓ પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને હડતાળ પર ઊતરી ગયા હતા. આ લખાય છે ત્યાં સુધી જુનિયર ડોક્ટરો હડતાળ પર ઊતરી ગયા છે. તેઓની એક જ માગ છે કે ડોક્ટરો પર હુમલાની ઘટના રોકી આવાં તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. રોષે ભરાયેલા ડોકટરોએ સિવિલ હોસ્પિટલની સીકયોરીટી વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા અને ડોકટરો પર આ પ્રકારે જાહેરમાં હુમલા થાય તો સુરક્ષાની જવાબદારી કોની તે સહિતના અનેક સવાલો ઉઠાવી ખાતરી સાથેની સુરક્ષાની માંગ કરી રહ્યા છે.