(એજન્સી) બેઈજિંગ, તા.૧૩
ડોકલામ વિવાદ શરૂ થયાના થોડા દિવસોમાં જ ચીને ભારતીયો માટે કૈલાશ માનસરોવર યાત્રા માટે નાથુ લા પાસ બંધ કરવાની જાહેરાત કરી હતી. આમ કરવા પાછળનું કારણ ભારત પર રાજકીય રીતે દબાણ લાવવાનું હતું. જેથી ભારત ડોકલામમાંથી સેના પરત બોલવવા મજબૂર થાય. જો કે ડોકલામ મુદ્દે ભારત સામે કૂટનીતિક પરાજય અને ભારતને મળેલા વૈશ્વિક સમર્થનને કારણે ચીનને પોતાનું વલણ બદલવાની ફરજ પડી છે. ચીને હવે કૈલાશ માનસરોવર યાત્રા માટે નાથુ લા માર્ગ ફરી ખોલવા ભારત સાથે ચર્ચા કરવા તૈયારી દર્શાવી છે.
આપને જણાવી દઈએ કે, સિક્કીમ થઈને પસાર થતો કૈલાશ માનસરોવર યાત્રાનો રસ્તો ચીને ડોકલામ વિવાદને કારણે બંધ કર્યો હતો. આ માર્ગ ઉત્તરાખંડના લિપુલેખ થઈને પસાર થતાં રસ્તાની સરખામણીમાં ઘણો સુવિધાજનક અને સરળ માનવામાં આવે છે. જો કે ડોકલામ વિવાદને કારણે લિપુલેખના રસ્તા ઉપર કોઈ જ અસર પડી નથી અને કૈલાશ માનસરોવર યાત્રા પહેલાંની જેમ જ યથાવત્‌ રહી હતી.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગના જણાવ્યા મુજબ ચીને ભારતીય પ્રવાસીઓને દરેક પ્રકારની સગવડ પહોંચાડવા પુરતા પ્રયાસો કર્યા છે. જોકે તેણે આરોપ લગાવ્યો છે કે, ડોકલામમાં ભારતની ઘૂસણખોરી બાદ ચીને આ રસ્તો બંધ કર્યો હતો. જો કે હવે ચીન આ રસ્તો પ્રવાસીઓ માટે ફરીવાર ખોલવા અને ભારત સાથે ચર્ચા કરવા તૈયાર થયું છે.