(એજન્સી) કાઠમંડુ, તા.૧૧
ડોકલામ પર ભારત અને ચીન પર ચાલી રહેલા સરહદ વિવાદની વચ્ચે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પોતાના ભૂતાની સમકક્ષ દામચો દોરજીની મુલાકાત લીધી. બંને નેતાઓએ નેપાળની રાજધાની કાઠમંડુમાં આયોજિત બિમ્સટેકની મંત્રી સ્તરીય બેઠકમાં મુલાકાત કરી. આ દરમ્યાન બંને નેતાઓએ ભારત-ભૂતાન-ચીન સરહદ પર ચાલી રહેલા અવરોધ પર ચર્ચા કરી.
સુષ્માની સાથે બેઠક બાદ ભૂતાની વિદેશ મંત્રી દોરજીએ કહ્યું કે, “અમને આશા છે કે, ડોકલામ પર ચાલી રહેલા સરહદ વિવાદને શાંતિપૂર્ણ અને પરસ્પર સૌહાર્દથી ઉકેલવામાં આવશે.” ડોકલામ વિવાદ શરૂ થયા પછી બંને દેશોના વિદેશ મંત્રીઓની આ પહેલી બેઠક છે. આ બેઠક ત્યારે યોજવામાં આવી,, કે જયારે ડોકલામ વિવાદને લઈને ચીન પોતાના મીડિયા અને વિદેશ મંત્રાલય દ્વારા ભારતને સતત ધમકી આપી રહ્યું છે.
ચીની મીડિયા સતત ધમકી આપી રહ્યું છે કે, જો ભારત ડોકલામ પરથી પોતાની સેનાને નહીં હટાવે, તો તેણે આના ગંભીર પરિણામો ભોગવવા પડશે. આ પહેલાં ભૂતાન સરકારે ડોકલામ મામલે ભારતને સાચું ઠેરવતા ચીનના દાવાને નકારી કાઢ્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે સિક્કિમ સોક્ટર પર આવેલ ડોકલામ તેનો (ચીન) ભાગ નથી. ચીને ખોટો દાવો કર્યો હતો કે, ભૂતાને તેને રાજદ્વારી ચેનલ દ્વારા જાણકારી આપી હતી કે, ડોકલામ ચીનનો ભાગ છે.
ભૂતાનના આ નિવેદનથી ભારતના એ દાવાને બળ મળ્યું, જેમાં કહેેવામાં આવ્યું કે, ભૂતાનના પ્રદેશમાં ચીન જબરદસ્તીથી રસ્તો બનાવી રહ્યું છે. ૨૯ જૂનના રોજ ભૂતાન વિદેશ મંત્રાલયે આ બાબતે સમાચાર યાદી બહાર પાડી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે ચીન ભૂતાનના ભૂભાગ પર રસ્તો બનાવી રહ્યું છે.