(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૮
ડોકલામ વિવાદ ભારતે આજે એવું કહ્યું કે લશ્કર પાછું ખેંચવામાં આવી રહ્યું છે તો ચીને વિવાદીત સરહદે પેટ્રોલિંગની વાત કરી છે. લગભગ ૩ મહિનાથી ચાલી રહેલા ડોકલામ વિવાદે આજે ભારત અને ચીનની અલગ અલગ વાત સામે આવી છે. એક બાજુ ભારત તરફથી બયાન જારી કરીને એવું કહેવામાં આવ્યું કે ડોકલામથી બન્ને દેશો સેના હટાવવા તૈયાર છે તો ચીને આ દાવાને રદીયો આપતાં કહ્યું કે સરહદેથી ફક્ત ભારતીય સેનાએ પીછહેઠ કરી છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે અમારી સૈનિકો હજુ પણ સરહદે પેટ્રોલિંગ કરી રહ્યા છે. ચીન તરફથી એવું કહેવામાં આવ્યું કે તે ડોકલામમાંથી ભારતીય સેના હટાવવાથી ખુશ નથી. ચીનની સત્તાવાર ન્યૂઝ એજન્સીએ તેની એક ખબરમાં કહ્યું કે ચીને સરહદેથી ભારતીય સેનાને હટાવવાની પુષ્ટિ કરી છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર પીપલ્સ ડેલીના જણાવ્યાનુસાર, ચીન અને ભારત ૨ મહિનાથી વધારે સમયથી ચાલી રહેલા ડોકલામ વિવાદનો ઉકેલ લાવવામાં રાજી થયાં છે. ભારતની ડોકલામ વિવાદ ખતમ કરવાની જાહેરાત થયાં બાદ ચીનનું આ બયાન આવ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે બન્ને દેશો ડોકલામ વિસ્તારમાંથી તેમની સેના હટાવી રહ્યાં છે તો ચીને આ વાતને રદીયો આપતાં કહ્યું કે ફક્ત ભારતે સેના હટાવી છે અમારી સેના તો હજુ પણ સરહદે પેટ્રોલિંગ કરી રહી છે. ૬ જૂનના રોજ પેદા થયેલા આ વિવાદ અંગે ચીને એક ૧૫ પાનાનું પેજ પણ જારી કર્યું હતું. ૧૫ પાનાની ફેક્ટશીટમાં એવું કહેવામાં આવ્યું કે ૧૮ જૂનના રોજ લગભગ ૨૭૦ ભારતીય સૈનિક ૧૦૦ મીટર અંદર સુધી ઘૂસી આવ્યાં હતા. અને ચીન દ્વારા બનાવવામાં આવી રહેલા રોડના કામકાજને અટકાવી દેવડાવ્યું હતું. એક સમયે લગભગ ૪૦૦ લોકો ચીનની સીમાની ૧૮૦ મીટર અંદર હાજર હતા. ફેક્ટશીટમાં એવું પણ કહેવામાં આવ્યું કે જુલાઈના અંત સુધીમાં ૪૦ ભારતીય સૈનિક અને એક બુલડોઝર પણ આ વિસ્તારમાં હાજર હતું.