બેઇજિંગ, તા. ૧૮
ચીનના સત્તાવારા મીડિયાએ સિક્કીમ સેક્ટરમાં ભારત, ચીન અને ભૂતાનની સરહદે આવેલા ડોકલામમાં જળવાઇ રહેલી તંગદિલી ફરીવાર ભારતને ચેતવણી આપી છે. આ વિવાદને શરૂ થયે એક મહિનાથી પણ વધુ સમય વીતી ગયો પરંતુ સ્થિતિ જેમની તેમ છે. ભારતે પણ કહી દીધું છે કે, તે પોતાના ડગલાં પાછા નહીં લે. આ મામલે ભારત દ્વારા આટલી કડક પ્રતિક્રિયાની આશા ચીને સેવી નહોતી. આમ વિવાદને લાંબો ખેંચાતો જોઇ ચીનના મીડિયાએ પોતાની સરકારને આગાહી કરી છે. સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે સાવધાન કરતા લખ્યું છે કે તેણે ભારત સાથે સંઘર્ષ માટે તૈયાર થઇ જવું જોઇએ. આ સાથે જ અખબારે એવી ચેતવણી આપી હતી કે, આ ઘર્ષણને કારણે બંને દેશો વચ્ચેની વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ભીષણ યુદ્ધ છેડાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન વચ્ચે ઘણા સ્થળો પર સરહદ વિવાદ છે અને બંને દેશો વચ્ચે ઘણી લાંબી સરહદ છે.
ગ્લોબલ ટાઇમ્સે દાવોકર્યો હતો કે, ચીનની સેનાને ચુંબી ખીણમાં આવેલા ડોકલામ પાસે માર્ગ બનાવવાથી રોકીને ભારતે બેઇજિંગની અખંડિતતાનું ઉલ્લંઘન કર્યું છે. અખબારે લખ્યુંછે કે, આ માર્ગ ભારત-ચીન-ભૂતાનની સંયુક્ત સરહદ પાસે છે. ભારતે અહીં માર્ગ નિર્માણ પર ચિંતા વ્યક્ત કરી છે. ભારતને ડર છે કે, તે માર્ગની મદદથી ચીનની સેના પૂર્વોત્તર રાજ્યો સુધી તેની પહોંચ બંધ કરી શકે છે. લેખમાં કહેવાયું છે કે, ભારતે ચીનને કહ્યું હતું કે, આ સ્થાન પર માર્ગ બન્યા બાદ હાલની સ્થિતિમાં ઘણો ફેરફાર આવશે જેની ભારત પર ગંભીર અસર પડશે. ચીનની કાર્યવાહી બાદ બંને દેશોની સેનાઓ વચ્ચે ઘર્ષણ ચાલુ છે. અખબાર અનુસાર જો ભારત આ પ્રકારનું ઘર્ષણ શરૂ કરશે તો તેણે સંપૂર્ણ એલએસી પર ચીન સાથે ગંભીર સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે.
લેખમાં ભારતને યાદ અપાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરથી લઇ અરૂણાચલપ્રદેશ સુધી ભારત અને ચીનની સરહદ આશરે ૩૪૮૮ કિલોમીટર લાંબી છે. તેનો ૨૨૦ કિલોમીટર લાંબો ભાગ સિક્કીમમાં આવે છે. જોેકે,સિક્કીમ સેક્ટરમાં ચાલી રહેલી તંગદિલી હજુ ચાલુ છે એવા સમયે ચીને લાંબા ગાળાની સ્થિતિનું સ્વરૂપ લઇ રહેલા આ વિવાદને પહોંચી વળવા માટે તૈયાર રહેવું જોઇએ. સાથે જ ચીને આ મામલે તાર્કીક વલણ પણ અપનાવવું જોઇએ.જ્યારથી આ વિવાદ શરૂ થયો છે ત્યારથી ચીનનું મીડિયા સતત ભારત વિરૂદ્ધ લખી રહ્યું છે. ગ્લોબલ ટાઇમ્સ તો સતત પોતાના લેખોમાં ભારતને ચેતવણી આપી રહ્યું છે. આ મામલે ભારતનું વલણ મક્કમ તો રહ્યું જ છે સાથે જ તેણે કડક રીતે પ્રતિક્રિયા પણ આપી છે.

લાંબા ગાળાના યુદ્ધ માટે તૈયાર રહેવા
ચીન સરકારને અખબારની સલાહ
ગ્લોબલ ટાઇમ્સે લખ્યું કે, ચીન સંઘર્ષની તરફેણ નથી કરતું, અમે ભારત સાથે સૈન્ય સંઘર્ષથી બચી રહ્યા છીએ પરંતુ પોતાની અખંડિતતાની રક્ષા માટે યુદ્ધથી પણ ચીન ડરશે નહીં. અમે લાંબા સમયથી ચાલતા આવેલા સંઘર્ષો માટે પોતાને તૈયાર રાખીશું. ચીનમાં પણ ભારતીય સૈનિકોને તાત્કલિક હટાવી દેવાની માગ બળવત્તર બની રહી છે. તેણે દાવો કર્યો હતો કે હાલની તંગદિલી અંગે ભારતીય જનતા ચીન સાથે યુદ્ધ કરવાની તરફેણ કરી રહી છે. યુદ્ધ અને સંઘર્ષની આ તમામ ચેતવણીઓ બાદ લેખમાં બંને પક્ષોને સંયમ જાળવવા અને હાલના ઘર્ષણને બેકાબૂ ન થવા દેવાની સલાહ પણ આપવામાં આવી છે. ચીનમાં મીડિયા પર સરકારનું સંપૂર્ણ નિયંત્રણ છે. અહીં મીડિયા પોતાની સરકારના વલણને કહે છે અને અનુસરે છે.