(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) પોતાની સ્થાપનાની ૯૦મી વર્ષગાંઠ પર યોજાનાર મંગોલીયાના ઝુરીયે નજીક સ્થિત દેશના સૌથી મોટા સૈન્ય મથક પર ભવ્ય પરેડનું પરીક્ષણ કરી શક્તિ પ્રદર્શન કર્યું હતું. જેમાં રાષ્ટ્રપતિ જીનપીંગ પણ સામેલ થયા હતા. તેમણે પરેડનું પરીક્ષણ કરી ચીની સેનાને સંબોધતા કહ્યું છે કે, ચીનની સેનામાં તમામ દુશ્મનોને ધૂળ ચાટતા કરી દેવાની ક્ષમતા અને સાહસ છે. તેમજ સેનાને યુદ્ધ માટે તૈયાર રહેવા કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, હાલ ભારત-ચીન વચ્ચે ડોકલામ વિવાદ ચાલી રહ્યો છે. જીનપીંગ સેન્ટ્રલ કમિશનના પ્રમુખ છે. તેમની પાસે દુનિયાની સૌથી મોટી સેના પીએલએનું સંપૂર્ણ નિયંત્રણ છે. આ પરેડમાં નવા એડવાન્સ ફાઈટર જેટ્‌સથી માંડી અનેક સૈન્ય ટુકડીએ ભાગ લીધો હતો. સ્થાનિક ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ આમ પ્રથમ વખત બન્યું છે જેમાં જીનપીંગે સૈન્ય દળોનું આ પ્રકારે નિરીક્ષણ કર્યું હોય. સેનાના પોશાકમાં સજ્જ જીનપીંગ એક ખુલ્લી જીપમાં જવાનો પાસેથી પસાર થયા હતા. તે સમયે લાઉડ સ્પીકરમાં સૈન્ય સંગીતની ધુન વગાડવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, પીએલએમાં મજબૂત સેનાના નિર્માણમાં નવું પ્રકરણ લખવાની અને ચીનની કાયા કલ્પનું સ્વપ્ન સાકાર કરવાની અને વિશ્વશાંતિની સુરક્ષા માટે નવું યોગદાન આપવાની ક્ષમતા અને સાહસ છે. જો કે જીનપીંગે ભાષણમાં ભારત-ચીન વચ્ચે ચાલી રહેલ ડોકલામ વિવાદનો ઉલ્લેખ કર્યો ન હતો. ચીનના વિદેશ તથા રક્ષા મંત્રાલયોએ ભારત પર ચીનના ક્ષેત્ર ડોકલામ પર અતિઆક્રમણ કરવાનો આરોપ મૂક્યો હતો. આ સમારંભનું ટેલિવિઝન અને રેડિયોમાં પ્રસારણ કરવામાં આવ્યું હતું. એક ઓગસ્ટ, ૧૯૨૭માં પીએલએની સ્થાપના થઈ હતી. તે દિવસને ચીન આર્મી ડે તરીકે ઉજવે છે. પરેડમા ટેન્કો, ગાડીઓ પર લગાડેલ ન્યુક્લિયર મિસાઈલ્સ, પારંપારિક જેટ ફાઈટર સહિત આધુનિક જે-૨૦ સ્ટેલ્થ વિમાન પણ સામેલ હતા. ચીન હાલ પોતાની સેનાના આધુનિકીકરણમાં જોડાયું છે. ચીન હાલ પોતાની સેનાની સંખ્યામાં ઘટાડો કરી તકનીકી ક્ષેત્રે વિકાસ સાધવા તરફ આગળ વધી રહ્યું છે. બીજી બાજુ ડોકલામ સીમા પર આશરે બે માસથી ભારત અને ચીન આમને સામને છે. ચીની મીડિયા અને અધિકારીઓ ભારતને વારંવાર યુદ્ધની ધમકી આપી રહ્યા છે. તણાવ ઘટાડવાના તમામ પ્રયાસો નિષ્ફળ નીવડી રહ્યા છે. ભારતીય એનએસએ અજીત ડોભાલે હાલમાં જ ચીનની મુલાકાત લીધી હતી. પરંતુ સિક્કીમ સીમા પર જારી ગતિરોધને દૂર કરવાના કોઈ અણસાર મળ્યા ન હતા.
પીએલએની સ્થાપના ત્યારે કરવામાં આવી હતી જ્યારે માઓ ત્સેતુંગના નેતૃત્વ હેઠળ શાસક પક્ષ સીપીસીએ તેના રાષ્ટ્રીય મુક્તિ આંદોલનને આગળ વધાર્યું હતંુ. આ સેના ચીની સરકારને બદલે આજે પણ સીપીસીના નેજા હેઠળ કામ કરે છે. સીપીસી કેન્દ્રીય સમિતિના મહાસચિવ જીનપીંગે જણાવ્યું હતું કે, અધિકારીઓ અને સૈનિકોએ અનિર્વાય રૂપે મૂળભૂત સિંદ્ધાતો અને પક્ષનંુ સંપૂર્ણપણે નેતૃત્વ કરવા માટે હંમેશાં તત્પર રહેવું જોઈએ. હંમેશાં પક્ષના આદેશો સાંભળવા અને તેનંુ પાલન કરવા કટિબદ્ધ રહેવા પણ કહ્યું હતું.