(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૬
શહેરના સરથાણામાં સર્જાયેલા તક્ષશિલા અગ્નિકાંડમાં ૨૨ માસૂમોએ જીવ ગુમાવ્યો હતો. ચોથા માળે બનાવાયેલા ડોમમાં ચાલતા ક્લાસીસના માસૂમોએ જીવ ગુમાવ્યો હતો. ડોમ આગના કારણે સળગી ગયો હતો. તક્ષશિલા અગ્નિકાંડને ૧ મહિનો અને ૨૨ દિવસ બાદ પાલિકા દ્વારા ડોમ તોડવાની શરૂઆત કરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલીશનની કામગીરી હાથ ધરાઇ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સરથાણા ખાતે આવેલા તક્ષશિલા આર્કેડમાં તા.૨૪મી મેના રોજ ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં ચોથા માળે બનાવાયેલા ડોમમાં ચાલતા ક્લાસીસમાં માસૂમો ફસાઈ ગયા હતા. વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા ગમે ત્યાં ભાગદોડ કરી ચોથા માળેથી છલાંગ મારવા લાગ્યા હતા. ૧૫થી વધુ વિદ્યાર્થીઓ ડોમમાં ફસડાઇ પડતાં તેઓ આગની ઝપેટમાં આવી જતાં કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે સાત જેટલાં વિદ્યાર્થીઓના ચોથા માળેથી કૂદવાના કારણે મોત થયા હતા અને બાકીના ૧૦થી ૧૫ વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘવાયા હતા અને અગ્નિકાંડ બાદ સુરત શહેરમાં લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. મૃતકોને ન્યાય અપાવવા માટે લોકો રસ્તા પર ઉતરી પડ્યા હતા અને જવાબદાર અધિકારીઓને સજા થાય તેવી હાંકલ લોકોએ કરી હતી. જેના ભાગરૂપે સુરત ક્રાઇમ બ્રાંચે અત્યાર સુધીમાં પાલિકા અધિકારી, ફાયર અધિકારી, જીઈબીના અધિકારી, બિલ્ડર, ક્લાસીસ સંચાલક સહિત ૧૦ જેટલાની ધરપકડ કરવામાં આવી છે. હજુ પણ કેટલાંક મોટા માથાઓ ધરપકડથી દૂર છે. તે દરમિયાન મંગળવારે પાલિકાના અધિકારીઓ પોલીસ કાફલા સાથે તક્ષશિલા આર્કેડ ખાતે પહોંચ્યા હતા અને ચોથા માળે સળગી ગયેલા ડોમને તોડી પાડવાની શરૂઆત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, તક્ષશિલા અગ્નિકાંડને એક મહિના બાદ ગ્રાઉન્ડ ફ્‌લોરની દુકાનો શરૂ કરવામાં આવી હતી. ગેરકાયદેસર બનાવેલા ડોમને તોડી પાડવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પાલિકાના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ડિમોલીશનની કામગીરી શરૂ કરાઇ હોવાનું જાણવા મળે છે.