બેઇજિંગ, તા. ૮
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નિવેદન કરવામાં આવ્યું હતું કે, અમેરિકા તથા અફઘાનિસ્તાનના સૈનિકો પર આતંકવાદી હુમલા કરવા માટેનું મુખ્ય કેન્દ્ર ઇસ્લામાબાદ છે ત્યારે ચીને તેનો જવાબ આપતા આતંકવાદને ડામવા માટે પાકિસ્તાનના પ્રયાસોનો બચાવ કર્યો હતો. ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ જણાવ્યું હતું કે, ત્રાસવાદ સામે લડવા માટે પાકિસ્તાની સરકાર અને લોકોએ ઘણું બલિદાન આપ્યું છે અને આવા પ્રયાસો તથા બલિદાનો દરેકેે જોવા જોઇએ. આંતરરાષ્ટ્રીય સમુદાયે આ વાતને માનવીજોઇએ અને પાકિસ્તાનને તેનો પૂરો શ્રેય આપવો જોઇએ જેનો કે હકદાર પણ છે.
આ નિવેદન બેઇજિંગ ખાતે પાકિસ્તાનના વિદેશ પ્રધાન ખ્વાજા આસિફ અને વાંગ યીની મુલાકાત દરમિયાન આપવામાં આવ્યું હતું. અફઘાનિસ્તાનમાં અમેરિકાની પોલિસી અંગે મોટું નિવેદન આપતા તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને ત્રાસવાદીઓના સ્વર્ગ સમાન ગણાવી જો તાત્કાલિક પગલાં ભરવામાં નહીં આવે તો સંબંધો તોડી નાખવા ચેતવણી આપી હતી. ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ રાજ્યોના સચિવ ટિલેરસને પણ પાકિસ્તાનને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, તે અમેરિકાના ખાસ સાથી તરીકેનો દરજ્જો ગુમાવી શકે છે અને શાંતિપૂર્ણ ઉકેલ પર ધ્યાન આપવું પડશે.