(એજન્સી)
વોશિંગ્ટન, તા. ૧૭
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, તેઓ ટૂંક સમયમાં ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાન સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવાની દિશામાં પ્રગતિ થઇ છે. ટ્રમ્પ ૨૨ સપ્ટેમ્બરે હ્યૂસ્ટનમાં યોજાનારા હાઉડી મોદી કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીની સાથે ભારતીય અમેરિકનોને સંબોધિત કરશે, પરંતુ તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સાથે કયારે મળશે તે અંગે તેમણે કોઇ જાણકારી આપી નથી.
ટ્રમ્પે સોમવારે વ્હાઇટ હાઉસમાં એક સવાલના જવાબમાં મીડિયાને જણાવ્યું હતું કે, હું વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરીશ અને હું ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાન સાથે પણ મુલાકાત કરીશ. ટ્રમ્પના કાર્યક્રમ મુજબ, તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન સાથે આ મહિને ન્યૂયોર્કમાં યોજાનારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્ર દરમિયાન મુલાકાત કરી શકે છે. આગામી ૨૨મી સપ્ટેમ્બરે હ્યુસ્ટનમાં યોજાનારા હાઉડી મોદી કાર્યક્રમમાં ટ્રમ્પ ૫૦,૦૦૦થી વધુ ભારતીય-અમેરિકનને સંબોધિત કરશે. ટ્રમ્પે કાશ્મીરનો ઉલ્લેખ કર્યા વગર જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવાની દિશામાં ઘણી પ્રગતિ થઇ છે. ટ્રમ્પના આગામી કાર્યક્રમોને આધારે જાણી શકાય કે તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રથી અલગ પાકિસ્તાનના વડાપ્રધાન સાથે મુલાકાત કરી શકે છે. હ્યુસ્ટનના કાર્યક્રમ બાદ ટ્રમ્પ ઓહિયો માટે રવાના થશે અને ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના વાર્ષિક સત્ર માટે ન્યૂયોર્ક પહોંચે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે,૫મી ઓગસ્ટે ભારતે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ ૩૭૦ને હટાવ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી સર્જાઇ હતી. ભારતના આ પગલાંની પ્રતિક્રિયા રૂપે પાકિસ્તાને નવી દિલ્હી સાથેના દૂતાવાસીય સંબંધો સમાપ્ત કર્યા હતા.