(એજન્સી) વોશિંગ્ટન, તા.૭
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તે ઈરાનને પરમાણુ હથિયાર મેળવવા નહીં દે. તેમણે હનુક્કા તહેવારના ઉપલક્ષ્યમાં ગુરુવારે વ્હાઈટ હાઉસમાં આયોજિત ભોજન સમારંભ દરમિયાન કેટલાક મુલાકાતી યહુદીઓને કહ્યું કે, તેઓ વિશ્વમાં આતંકવાદના અગ્રણીને છૂટ નથી આપી શકતા. આ એક એવું શાસન છે જે અમેરિકાનું ખોટું ઈચ્છે છે અને ઈઝરાયેલને હંમેશા ધમકી આપે છે. ઈરાન ધરતી પર સૌથી ઘાતક હથિયાર મેળવવા ઈચ્છે છે. ટ્રમ્પે યહુદી સમુદાયને કહ્યું કે, અમેરિકા હવે તે ભયાનક ઈરાન પરમાણુ કરારમાંથી બહાર નીકળ્યું છે. અમે ઈરાન પર કડક પ્રતિબંધ મૂક્યા છે. અમે ઈરાનને ક્યારેય પરમાણુ હથિયાર મેળવવા નહીં દઈએ. ટ્રમ્પે ઈઝરાયેલને શક્તિશાળી અને શાનદાર દેશ બનાવવા બદલ યહુદી સમાજની પ્રશંસા કરી ઈઝરાયેલને સમર્થન આપવાનું વચન પણ આપ્યું હતું. અમેરિકાએ આ સાથે પોતાના દૂતાવાસને ઈઝરાયેલમાંથી જેરૂસલેમ ખસેડવાના પોતાના નિર્ણયની પણ પ્રશંસા કરી હતી.