(એજન્સી)
વોશિંગ્ટન, તા.૨૩
પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલ મડાંગાંઠ પછી સ્થિતિ ભયાવહ બની હોવાનું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે. પુલવામામાં ૪૦ સીઆરપીએફના જવાનોને આત્મઘાતી હુમલાખોરે શહીદ કર્યા બાદ તેની જવાબદારી પાકિસ્તાન સ્થિતિ જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. ત્યારબાદ ભારત-પાકિસ્તાન વચ્ચે દુશ્મની વધી છે. ભારતે માગણી કરી છે કે, પાકિસ્તાન તેની ભૂમિ પર સક્રિય જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ સામે નક્કર કાર્યવાહી કરે. ટ્રમ્પે કહ્યું કે, ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તંગદિલીને ઓછી કરવા તેમનું તંત્ર બંને દેશો સાથે વાતચીત કરી રહ્યું છે. બંને દેશો વચ્ચે એકદમ ખરાબ સ્થિતિ છે. જેને ભયાવહ સ્થિતિ ગણી શકાય. ટ્રમ્પે વધુમાં કહ્યું કે, ભારત સખ્ત કાર્યવાહી અંગે વિચારી રહ્યું છે. ભારતે પ૦ જવાનો ગુમાવ્યા, તેથી આ વાત સમજી શકાય. અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે મડાગાંઠ સુધરી છે.