(એજન્સી) તા.ર૮
ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદ પર તંગદિલી વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે કહ્યું હતું કે, આ વિશે કોઈ સારા અને યોગ્ય સમાચાર ટૂંક સમયમાં આવશે. ટ્રમ્પના આ નિવેદન પછી આશા રાખવામાં આવે છે કે, બંને દેશો વચ્ચેની તંગદિલી વહેલીતકે દૂર થઈ શકે છે. ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકા ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવશે. વિયેતનામના હનોઈમાં અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, મને લાગે છે કે, ભારત અને પાકિસ્તાન તરફથી સારા સમાચાર આવશે. બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તંગદિલી યથાવત છે. અમને સારા સમાચાર મળી રહ્યા છે. અમને એ પણ આશા છે કે, સદીઓથી ચાલતી આ તંગદિલીનો હવે અંત આવશે. ટ્રમ્પે પત્રકારોને કહ્યું હતું કે, અમે ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરી રહ્યા છીએ અને અમારી પાસે સારા સમાચાર છે. આ પહેલા બુધવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિયો સાથે વાતચીત કરી હતી. આ વાતચીત પછી અમેરિકાએ પાકિસ્તાનને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, આતંકવાદ વિરૂદ્ધ ભારતની કાર્યવાહી યોગ્ય છે અને અમેરિકા ભારતની પડખે ઊભો છે.