(એજન્સી) વોશિંગ્ટન, તા. ૨૩
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ક્રિકેટમાંથી રાજકારણમાં આવેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાનના ભારે વખાણ કર્યા છે. ટ્રમ્પે જણાવ્યું કે ઇમરાનખાન એક શ્રેષ્ઠ એથલીટ અને નામાંકિત વડાપ્રધાન છે. સાથે જ તેમણે રમૂજમાં જણાવ્યું કે આ વસ્તુઓ તેમને ફરી સત્તામાં આવવામાં મદદ કરી શકે છે. વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાં ઇમરાનખાનનું સ્વાગત કરતા ટ્રમ્પે જણાવ્યું કે એક શ્રેષ્ઠ એથલીટ એ પાકિસ્તાનના ભારે લોકપ્રિય વડાપ્રધાનની યજમાની કરવાનું મારા માટે સમ્માનની વાત છે. બંને નેતાઓએ ૪૦ મિનિટથી પણ વધુ સમય સુધી બેઠક કર્યા બાદ પત્રકારોના ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. સંયુક્ત પત્રકાર પરિષદમાં ટ્રમ્પ અને ઇમરાને બહુ જ સારી શૈલીમાં પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. નોંધનીય છે કે હાલમાં અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો કંઇક ખાસ નથી, તેમ છતાં બંને નેતાઓની મુલાકાત દરમિયાન આવું કંઇ જ જોવા મળ્યું નથી. ટ્રમ્પે ઇમરાનખાન સાથેની બેઠકને અત્યંત મહત્વપૂર્ણ ગણાવી છે.