વૉશિંગ્ટન,તા.૭
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર ફરી આર્થિક પ્રતિબંધ લગાવી દીધા છે, જોકે તેમણે એમ પણ જણાવ્યું છે કે ઈરાન પાસે નવા પરમાણુ કરાર માટે હજુ પણ રસ્તો ખુલ્લો છે. ભારતીય સમય અનુસાર આજે સવારના સાડા નવ વાગ્યાથી ઈરાનના ઓટોમોબાઈલ સેક્ટરની સાથે-સાથે તેના સોના અને અન્ય કીમતી ધાતુઓના વેપાર પર પણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. ટ્રમ્પે કહ્યું છે કે, જે પણ દેશ ઈરાન સાથે વ્યાપાર યથાવત રાખશે તે અમેરિકા સાથે વ્યાપાર નહીં કરી શકે. આ અગાઉ મે-ર૦૧૮માં અમેરિકાએ ઈરાનની સાથે ર૦૧પમાં થયેલા પરમાણુ કરારથી ખુદને અલગ કરી દીધું હતું. ઈરાન પર ફરી વખત પ્રતિબંધ લગાવવાથી ભારત જેવા દેશો પર પણ અસર થશે, જેઓ ઈરાનમાં મોટા પાયે કાચા તેલની નિકાસ કરે છે.
ડોનાલ્ડ ટ્રમ્પનું માનવું છે કે આર્થિક દબાણના કારણે ઈરાન નવી સમજૂતી માટે તૈયાર થઈ જશે અને પોતાની નુકસાનકારક ગતિવિધિ રોકી દેશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા ૧૪ જુલાઈ, ર૦૧પના રોજ સંયુક્ત વ્યાપક યોજના હેઠળ ઈરાન ઉપરથી હટાવવામાં આવેલા પરમાણુ કાર્યક્રમ સંબંધિત તમામ પ્રતિબંધ ફરી લાગુ પાડી રહ્યું છે.
અ નિર્ણય ૭ ઓગસ્ટથી અમલી બનશે. બાકીના તમામ પરમાણુ કાર્યક્રમ અને પ્રતિબંધ પ નવેમ્બર, ર૦૧૮થી લાગુ પડશે. આ પ્રતિબંધ હેઠળ પેટ્રોલિયમ સંબંધી અને વિદેશી નાણાકીય સંસ્થાનો સાથેની લેણદેણ સહિત ઈરાનના ઊર્જા ક્ષેત્રને પણ આવરી લેવામાં આવશે.
ઈરાનના રાષ્ટ્રપતિએ અમેરિકાના પગલાને મનોવૈજ્ઞાનિક યુદ્ધ ગણાવ્યું
તહેરાન,તા.૭
ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ અમેરિકાના આ પગલાને મનોવૈજ્ઞાનિક યુદ્ધ ગણાવ્યું છે. સરકારી ચેનલ પર ઈરાનના લોકોને સંબોધિત કરતાં રુહાનીએ આ વિવાદને ઉકેલવા માટે અમેરિકા સાથે તુરંત જ વાતચીત કરવાના વિચારને ફગાવતાં જણાવ્યું હતું કે અમે કૂટનીતિ અને વાતચીતના પક્ષમાં હંમેશાં રહ્યાં છીએ, પરંતુ વાતચીત કરવા માટે બંને પક્ષે ઈમાનદારીની જરૂર પડે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે જે વ્યક્તિ કે કંપનીઓ આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરશે તેમણે ગંભીર પરિણામો ભોગવવાં પડશે. ર૦૧પમાં થયેલી સમજૂતીમાં સામેલ રશિયા, ચીન, બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ અમેરિકાના આ નિર્ણય પર ઊંડો અફસોસ વ્યક્ત કર્યો છે.
Recent Comments