(એજન્સી) વોશિંગ્ટન, તા.૨૧
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીરની વિસ્ફોટક પરિસ્થિતિમાં મધ્યસ્થતા કરવાની ફરી એક વાર ઓફર કરી છે અને જણાવ્યું કે ‘કાશ્મીર બહુ જ જટિલ સ્થળ છે’. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સાથે ફોન પર વાત કર્યાના એક દિવસ બાદ ટ્રમ્પે જણાવ્યું કે કાશ્મીરમાં પરિસ્થિતિ શાંત પાડવાના પ્રયાસ કરવા અને તેમાં મદદ કરવાથી તેઓ ખુશ છે. તેમણે એવું પણ કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો વણસવાનું મુખ્ય કારણ ધર્મ છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને જણાવ્યું કે ‘કાશ્મીર અત્યંત જટિલ સ્થળ છે. ત્યાં હિન્દુઓ છે અને મુસ્લિમો પણ છે અને હું એવું નહીં કહું કે તેમની વચ્ચે બહુ મનમેળ છે. મધ્યસ્થતા માટે જે કંઇ બહેતર થઇ શકશે, હું તે કરીશ. લાંબા સમયથી બંને દેશો વચ્ચે સારા સંબંધો નથી અને નિખાલસ રીતે, કાશ્મીરમાં વિસ્ફોટક પરિસ્થિતિ છે.’ઘણું બધું ધર્મથી જોડાયેલું છે. ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં એમની ઓવલ ઓફિસમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે હું વડા પ્રધાન મોદીને મળવાનો છું. ફ્રાન્સમાં સપ્તાહાંતે અમે મળવાના છીએ. મને લાગે છે કે અમે ભારત અને પાકિસ્તાન વચ્ચેની તંગદિલીને ઉકેલવામાં મદદ કરીશું. તેમણે પત્રકારોને એવું પણ કહ્યું કે મને લાગે છે કે અમે પરિસ્થિતિ શાંત પાડવામાં મદદ કરી રહ્યા છીએ પરંતુ તમે જાણો છો કે બંને દેશો વચ્ચે ભયંકર સમસ્યાઓ છે. ઉલ્લેખનીય છે કે, હજી સોમવારે જ ટ્રમ્પે મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનને અલગ અલગ રીતે ફોન કર્યો હતો અને એમની સાથે કશ્મીર મુદ્દે ચર્ચા કરી હતી. ટ્રમ્પે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે મારે મોદી અને ઈમરાન સાથે સારા સંબંધો છે, પણ ભારત અને પાકિસ્તાન હાલ સારા મિત્રો નથી.