(એજન્સી) ન્યૂયોર્ક, તા.૨૪
ભારત અને પાકિસ્તાન વચ્ચેના મતભેદો દૂર કરવામાં સહાયરૂપ થવા અને કાશ્મીર મુદ્દો ઉકેલવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર મધ્યસ્થતાની ઓફર કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા કરવાની ટ્રમ્પ દ્વારા ચોથી વાર કરવામાં આવેલી ઓફરનો નવી દિલ્હીએ હંમેશ જોરદાર વિરોધ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રની મહાસભાને સંબોધન કરવા માટે પોતાનાં પત્ની મેલાનિયા સાથે આવેલા ટ્રમ્પે તેમના સંબોધન પહેલા પત્રકારોને જણાવ્યું કે પાકિસ્તાનનો સંબંધ છે ત્યાં સુધી મને લાગે છે કે પાકિસ્તાન અને ભારત મંત્રણા કરી રહ્યા છે, હું ચોક્કસપણે તેમને સહાય કરવા માગું છું. મને લાગે છે કે તેમને ચોક્કસરીતે મારી મદદ ગમશે. ભારત અને પાકિસ્તાનના વિભિન્ન મંતવ્યો છે અને આ બાબતે હું ચિંતિત છું. નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે તેઓ કાશ્મીર મુદ્દા અંગે પાકિસ્તાન અને ભારત વચ્ચે મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે પરંતુ બંને પક્ષોએ આ બાબતે સહમત થવું પડશે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાન સાથેની તેમની મંત્રણા પહેલા પત્રકારોને માહિતી આપતા ટ્રમ્પે જણાવ્યું કે જો ભારત અને પાકિસ્તાન કાશ્મીર મુદ્દા અંગે તેમની મધ્યસ્થતા ઇચ્છતા હોય તો, તેઓ મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે. ટ્રમ્પે જણાવ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મારા બહુ જ સારા સંબંધો છે. ઇમરાનખાન સાથે પણ તેમના સારા સંબંધો હોવાનું ટ્રમ્પે ઉમેર્યું હતું. ટ્રમ્પે કાશ્મીર મુદ્દાને લાંબા સમયથી ચાલી રહેલો જટિલ મુદ્દો ગણાવ્યો છે. ભારતે ઘણી વાર કાશ્મીર મુદ્દા અંગે ત્રાહિત પક્ષની મધ્યસ્થતા નકારી કાઢી હોવા છતાં અમેરિકી રાષ્ટ્રપતિએ જણાવ્યું કે તેઓ મધ્યસ્થતી તરીકે ક્યારેય નિષ્ફળ નીવડ્યા નથી.