(એજન્સી)કોલારાડો/નવી દિલ્હી, તા. ૨૧
ભારતના પ્રવાસમાં અમદાવાદ આવનારા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક અતિશયોક્તિભર્યો દાવો કરી નાખ્યો છે. તેમણે અમેરિકાના કોલોરાડોની એક સભામાં કહ્યું છે કે, અમદાવાદમાં તેમના સ્વાગત માટે ૬થી ૧૦ મિલિયન(૬૦ લાખથી એક કરોડ) લોકો લાઇનમાં ઉભા રહેશે. સૌથી મહત્વની વાત એ છે કે, અમદાવાદની વસ્તી આશરે ૭ મિલિયન(૭૦ લાખ) છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ પણ આ બાબતની પુષ્ટી કરી છે. આ વસ્તી એક દશક પહેલા ૨૦૧૧ની વસ્તી ગણતરીમાં ૫૫ લાખની આસપાસ હતી. ૨૪મીએ ભારતની અને સીધા ગુજરાતની મુલાકાતે આવી રહેલા દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકિય પરીક્ષા લઇ રહ્યાં છે કે પછી પોતાના સ્વાગત માટે આશા કરતા વધુ માગણીઓ કરી રહ્યા છે તે સમજાતું નથી. આ મહત્વનો સવાલ હવે સત્તાની ગલીઓમાં એટલા માટે ચર્ચાઇ રહ્યો છે કેમ કે ટ્રમ્પે આજે ભાજપને પરસેવો છૂટી જાય એવી વાત અમેરિકામાં જાહેર મંચ પરથી કહી કે અમદાવાદમાં તેમના સ્વાગત માટે મોદીજીએ પહેલા તો ૬૦થી ૭૦ લાખ લોકો હાજર રહેવાનું કહ્યું હતું પણ હવે જો એક કરોડ(૧૦ મિલિયન) કરતાં ઓછી ભીડ હશે તો તેઓ સંતુષ્ટ નહીં થાય! શું ટ્રમ્પ ‘યે દિલ માંગે મોર’ની જેમ તેમના સ્વાગત માટેની ભીડનો આંકડો વધારીને ભાજપના ટેન્શનમાં વધારો તો નથી કરી રહ્યાં કે પછી પોતાના સ્વભાવ અનુસાર નાની બાબતને વધારે પડતી ગણાવી રહ્યાં છે કે તેમના સ્વાગત માટે હવે એક કરોડ લોકોની ભીડ સડકો પર હશે જે ઉપરથી જોવામાં મગફળી સમાન લાગશે?
ભાજપ અને કેન્દ્ર તથા ગુજરાત સરકારમાં હવે અંદરખાને ગણગણાટ હોઇ શકે કે શું ટ્રમ્પને કોઇએ સ્વાગત માટે કેટલી ભીડના ખોટા આંકડાઓ આપવામા આવ્યાં છે કે પછી જેમણે આંકડા આપ્યા તેમણે લાખ અને મિલિયન(૧૦ લાખ) વચ્ચેના અર્થની ખબર નથી? કે પછી ટ્રમ્પ જાણી જોઇને પોતાના સ્વભાવગત સ્વાગત માટેના ભીડના આંકડામાં વધારો આપમેળે કરીને ભારત સરકાર અને ખાસ કરીને ભાજપ માટે મુશ્કેલી પેદા કરી રહ્યાં છે? એવા અનેક સવાલો તેમના આગમન પહેલા ચકરાવે ચઢ્યા છે. ટ્રમ્પે આ ઉપરાંત ફરી એકવાર કહ્યું કે ભારત સાથે વ્યાપારિક સંબંધો સારા નથી અને દુનિયામાં સૌથી વધુ ટેરિફ ભારતનો છે.
ટ્રમ્પે કહ્યું કે, ત્યાં એટલી ભીડ આવશે જાણે કે હવે હું બીટલ્સ જેવો લોકપ્રિય થઈ ગયો છું. આટલી ભીડથી તો સ્ટેડિયમ પણ ફુલ થઈ જશે અને લોકોને બહાર ઊભા રહેવું પડશે. નોંધનીય છે કે આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ભીડને લઈ અલગ-અલગ દાવા કરી ચૂક્યા છે. એક નિવેદનમાં તેઓએ ૫ મિલિયન (૫૦ લાખ) ભીડ એકત્ર થવાની વાત કહી હતી. તો ગુરુવારે આપેલા પોતાના નિવેદનમાં ભીડનો આંકડો ૭ મિલિયન (૭૦ લાખ) રહેશે તેવો દાવો કર્યો હતો. આ દરમિયાન ટ્રમ્પનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓએ કહ્યું કે, હું આવતા સપ્તાહે ભારત જઈ રહ્યો છું અને અમે વેપાર પર વાત કરીશું. અમારી પર છેલ્લા એક વર્ષોથી અસર પડી રહી છે. હું હકિકતમાં પીએમ મોદીને ખૂબ પસંદ કરું છું પરંતુ અમારે થોડી બિઝનેસ પર વાત કરવાની જરૂર છે. દુનિયામાં સૌથી વધુ ટેરિફ ભારતનો છે. ટ્રમ્પે પોતાની જાહેરસભામાં ટેરિફના મામલે ભારતની આકરી ટીકા કરી. ટ્રમ્પે કહ્યું કે હું ભારત જઈ રહ્યો છું અને હું ટ્રેડની વાત કરીશ. ભારતે અનેક વર્ષ સુધી આપણી પર વધુ ટેરિફ લગાવ્યો, પરંતુ હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘણો પસંદ કરું છું. આશા છે કે હવે તેઓ આપણી પર વધુ ટેરિફ નહીં લગાવે. ડોનાલ્ડ ટ્રમ્પ સતત પોતાના નિવેદનો ફેરવી રહ્યા છે. આ અગાઉ જ ટ્રમ્પે કોઈ મહત્વનો વેપાર કરાર નહીં થાય તેવી વાત કરી હતી. નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પત્ની મેલાનિયા ટ્રમ્પ સાથે ૨૪-૨૫ ફેબ્રુઆરીના રોજ ભારત પ્રવાસ પર આવી રહ્યા છે.

ભારતની મુલાકાત દરમ્યાન અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ઈવાન્કા ટ્રમ્પ, પતિ જેરેડ કુશ્નેર પણ આવશે : અધિકૃત સૂત્રો

ફેબ્રુઆરીની ર૪ અને રપમી તારીખે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. એમની સાથેના ડેલીગેશનમાં એમની પુત્રી ઈવાન્કા અને જમાઈ જેરેડ કુશ્નેર પણ આવી રહ્યા છે. ટ્રમ્પની પત્ની મેલેનિયા ટ્રમ્પ પણ આ ડેલીગેશનનો ભાગ છે, અને ટ્રેઝરી સેક્રેટરી સ્ટીવન મ્નુચીન અને વાણિજય સેક્રેટરી વિલ્બર રોસ પણ સાથે આવશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમદાવાદમાં ર૪મી ફેબ્રુઆરીએ આવશે. અમદાવાદથી તેઓ આગ્રા જશે અને પછી દિલ્હી જશે. અમેરિકાએ પુષ્ટિ કરી છે કે ઈવાન્કા ટ્રમ્પ અને જેરેડ કુશ્નર જે ટ્રમ્પના વરિષ્ઠ સલાહકાર પણ છે તેઓ ડેલીગેશનમાં સમાવિષ્ઠ છે.

ભારત ઊંચા ટેરિફથી અમેરિકા સાથે અત્યંત ખરાબ વ્યવહાર કરે છે, પીએમ મોદી સાથે વેપાર અંગે મંત્રણા કરીશુંઃ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભારત પ્રવાસ પહેલા ફરી એકવાર વેપારમાં ઊંચા ટેરિફનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, ભારત ઘણા વર્ષોથી અમેરિકા સાથે વેપારમાં આકરો વ્યવહાર અપનાવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ અંગે તેમની વાતચીત થશે. ટ્રમ્પ પહેલા પણ ઘણીવાર ભારત પર વેપાર મામલે અમેરિકાના ઉત્પાદનો પર ઘણા ઊંચા ટેરિફ લાદવાની ફરિયાદ કરી ચૂક્યા છે. તેઓ ભારતને ટેરિફ લગાવવાનું ચેમ્પિયન પણ કહી ચૂક્યા છે. ટ્રમ્પ પોતાની પત્ની મેલાનિયા ટ્રમ્પ સાતે ૨૪-૨૫ ફેબ્રુઆરીએ પોતાની પ્રથમ ભારતની યાત્રાએ આવશે. તેઓ અમદાવાદથી પોતાનો પ્રવાસ શરૂ કરશે અને ત્યારબાદ આગરાના તાજમહેલને નિહાળવા જશે. કોલોરાડોમાં ગુરૂવારે ‘કીપ અમેરિકા ગ્રેટ’ રેલીમાં તેમણે કહ્યું કે, હું આગામી અઠવાડિયે ભારત જઇ રહ્યો છું અને અમે વેપાર અંગે વાત કરવાના છીએ. તેઓ ઘણા વર્ષોથી અમારી સાથે આકરો વ્યવહાર કરી રહ્યા છે. ટ્રમ્પે પોતાના હજારો સમર્થકો સામે કહ્યું હતું કે, તેઓ ખરેખર મોદીને પસંદ કરે છે અને એકબીજા સાથે વેપાર અંગે વાત કરશે. તેમણે કહ્યું કે, અમે કેટલીક વાતચીત કરીશું. વેપાર અંગે પણ વાત થશે. આ અમે ખરાબ રીતે અસર કરે છે. તેઓ અમારા પર વધુ ટેરિફ લાદે છે. દુનિયામાં સૌૈથી ઊંચો ટેરિફ લાદવાનારા દેશોમાં ભારત પણ સામેલ છે. આ પ્રવાસતી પહેલા એવા સમાચાર આવતા હતા કે, ભારત અને અમેરિકા વેપારમાં કેટલાક મુદ્દા પર સહમત થઇ ગયા છે. બંને દેશો વચ્ચે મોટી વેપાર સમજૂતી પહેલા આ પ્રવાસ દરમિયાન કેટલીક સહમતીઓની ઘોષણા કરી શકાય છે. તેમણે પ્રવાસ દરમિયાન વેપાર સમજૂતી થવાની સંભાવનાઓને ઓછીકરતા કહ્યું કે, બંને દેશ સારા વેપાર સોદા કરી શકે છે. પરંતુ એ વાતના સંકેત આપ્યા કે, સમજૂતી તેમની પસંદની નહીં થાય તો આ અંગેચાલી રહેલી વાતચીત ધીમી પડી શકે છે.