(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર૪
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પરિવાર સાથે આજે અમદાવાદ આવી પહોંચતાં તેમનું ખુદ વડાપ્રધાન મોદીએ એરપોર્ટ ખાતે પ્રોટોકોલ તોડીને ભવ્ય સ્વાગત કર્યું હતું. તે બાદ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાયેલ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં ઉપસ્થિત મેદનીએ ટ્રમ્પનું અભિવાદન કરતાં ટ્રમ્પ પરિવાર ખુશ થઈ ગયો હતો. નમસ્તે કહીને પોતાના સંબંધોનનો પ્રારંભ કરનાર ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે ભાગીદારીની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આતંકવાદ ડામવા ભારત-અમેરિકા સાથે મળીને કામ કરશે. આતંકવાદ વિરૂદ્ધની લડાઈમાં હથિયારો, મિસાઈલો સહિત તમામ મદદ કરવાની ખાતરી તેમણે આપી હતી. આ સાથે ટ્રમ્પે અમેરિકા ભારત માટે શ્રેષ્ઠ સંરક્ષણ ભાગીદાર બનશે તેમ જણાવી જાહેરાત કરતાં કહ્યું કે આવતીકાલે ભારત સાથે ત્રણ અબજ ડોલરના સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર કરીશું. અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાયેલ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં ટ્રમ્પ અને મોદી આવી પહોંચતાં ઉપસ્થિત મેદનીએ તેઓનું અભિવાદન કરતાં સ્ટેડિયમ ગૂંજી ઊઠયું હતું. અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પે પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીના વખાણ કર્યા હતા તો સ્વામી વિવેકાનંદથી લઈને સચિન તેન્ડુલકર, શાહરૂખખાનની ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએગેં’, ‘શોલે’ વગેરેનો ઉલ્લેખ પણ કર્યો હતો. અમેરિકન પ્રેસિડેન્ટે કહ્યું હતું કે, અમેરિકાનો ધ્યેય પણ આતંકવાદનો જડમૂળમાંથી ખાતમો છે તેથી ભારત અને અમેરિકા ઈસ્લામિક કટ્ટરવાદ વિરૂદ્ધ એકજૂટ થઈને લડવા કટિબદ્ધ છે.
ટ્રમ્પે ભારતના વિકાસ અને વડાપ્રધાન મોદીની પ્રસંશા કરતાં કહ્યું કે મિ.પીએમ મોદી તમે માત્ર ગુજરાતનું ગૌરવ નથી, પરંતુ તમે મહેનત અને સમર્પણનું જીવતું જાગતું ઉદાહરણ છો. ભારતીય ઈચ્છે તે અવશ્ય કરી શકે છે. મોદી રાજનીતિ પહેલા ચા વેચતા હતા. તેમને દરેક જણ પસંદ કરે છે, પરંતુ આ મુશ્કેલ કામ છે. આજે વડાપ્રધાન મોદી ભારતના મુખ્ય નેતા છે. જે દેશ તેમના લોકોને દરેક બંધનોમાંથી મુક્ત રાખે છે અને તેમને તેમના સપના પૂરા કરવા દે છે; તે જ મહાન દેશ છે. ભારત આવા દેશોમાંથી એક છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આવતીકાલે હું પીએમ મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરીશ, જેમાં અમે ઘણા બધી ડીલ પર વાત કરીશું. ભારત અને અમેરિકા સંરક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે, અમે ટૂંક સમયમાં ભારતને આતંકવાદનો સામનો કરવા સૌથી ખતરનાક મિસાઇલો અને શસ્ત્રો આપીશું. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આતંકવાદ સામે અમેરિકા અને ભારત બંને એક થઇને લડશે, અમેરિકા આતંકવાદ ISIS સામેની લડત લડી રહ્યું છે. આપણા દેશો આતંકવાદનો ભોગ બન્યા છે, જેની સામે આપણે લડ્યા છે. અમેરિકાએ તેની કાર્યવાહીમાં ISISનો અંત અને અલ-બગદાદીનો અંત કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે આતંક સામે કડક કાર્યવાહી કરી રહ્યા છીએ, અમેરિકાએ પાકિસ્તાન ઉપર પણ દબાણ લાવ્યું છે અને પાકિસ્તાને આતંકવાદ સામે કાર્યવાહી કરવી પડશે, દરેક દેશને પોતાની રક્ષા કરવાનો અધિકાર છે. ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં કહ્યું કે પાંચ મહિના પહેલાં અમેરિકાએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું, આજે ભારત અમારું સ્વાગત કરે છે જે આપણા માટે આનંદની વાત છે. આજે આપણે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં છીએ. આજથી ભારત આપણો સૌથી મહત્વપૂર્ણ મિત્ર બનશે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે, દુનિયાભરના લોકો ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેગે’ (ડીડીએલજે) અને શાહરૂખ ખાન અને ‘શોલે’ને ખૂબ પસંદ કરે છે. આ સાથે જ ટ્રમ્પે કહ્યું કે વિરાટ કોહલી અને સચિન તેંડુલકર જેવા વિશ્વભરના ક્રિકેટરોના ઘણા ચાહકો છે. તેમણે એમ પણ કહ્યું કે હિન્દુ, જૈન, મુસ્લિમ, શીખ સહિતના અનેક ધર્મોના લોકો આજે ભારતમાં વસે છે, જ્યાં ડઝનેક ભાષાઓ બોલાય છે. તેમ છતાં, લોકો દેશમાં અહીં શક્તિની જેમ જીવે છે. અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે અમેરિકામાં વસતાં ભારતીય મૂળના અંદાજે ૪૦ લાખ લોકોએ ત્યાંના વિકાસમાં મોટો ભાગ ભજવ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે, બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર ૪૦ ટકા વધ્યો છે. ભારત અમેરિકા માટે સૌથી મોટું એક્સપોર્ટ માર્કેટ છે. ભારતનો વિકાસ અને પ્રગતિ દુનિયા માટે પણ ફાયદાકારક છે. અમેરિકામાં અમે સાબિત કરી દીધું છે કે રોજગાર વધારવા માટે નકામી બ્યૂરોક્રેસીને ખતમ કરવામાં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવા જ પ્રયાસ કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે, ‘ભારત અને અમેરિકા સ્પેસ ક્ષેત્રે પણ કામ કરી રહ્યા છે. ભારતે ચંદ્રયાન મિશન લોન્ચ કર્યું હતું. જેની પર કામ ચાલી રહ્યું છે. અમેરિકા આમા સહયોગ કરવા માંગે છે. પહેલી હ્યૂમન સ્પેસ ફ્લાઈટના મિશનમાં પણ અમે સહયોગ માટે તૈયાર છીએ. ભારત બહુ આગળ આવી ગયું છે. એવું ન કહી શકાય કે ભારત કેટલું આગળ જશે. અન્ય દેશો જે વિચારી નથી શકતા, ભારતનું ભવિષ્ય તેને ત્યાં સુધી આગળ લઈ જઈ શકશે.’