(એજન્સી) વોશિંગ્ટન, તા.ર૯
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગૂગલ પર તેમની છબિ ખરડાવાનો આરોપ મૂક્યો છે. હવે તેઓ દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જિનની વિરૂદ્ધ કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, જ્યારથી તેઓ રાષ્ટ્રપતિ બન્યા છે. મીડિયા તેમની વિરૂદ્ધ સમાચાર ચલાવી રહી છે. ઉપરાંત, તેમની વિરૂદ્ધ નકારાત્મક સમાચાર સર્ચ કરવામાં ગૂગલ મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યું છે. અમેરિકી મીડિયા હાઉસમાં સીએનએન સતત ટ્રમ્પના નિશાના પર રહ્યું છે. હવે તેમણે ગૂગલની વિરૂદ્ધ નારાજગી વ્યક્ત કરી છે. બીજી તરફ થોડા દિવસો અગાઉ અન્ય એક અમેરિકી ન્યુઝ વેબસાઈટ પર એક સમાચાર પ્રકાશિત કર્યા હતા. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, જો ગૂગલ પર ઈડિયટ શોધીએ છીએ, તો સૌથી પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર સામે આવે છે. આ અંગે ઘણો વિવાદ પણ થયો હતો. પોતાની ટ્‌વીટર પોસ્ટમાં મંગળવારે ટ્રમ્પે લખ્યું કે, ટ્રમ્પ લખતાં જ ગૂગલ સર્ચ રિઝલ્ટમાં માત્ર મારી વિરૂદ્ધ જ નકારાત્મક સમાચાર જોવા મળે છે. આ ફેક ન્યૂઝ મીડિયા છે. કંપની મારા અને અન્ય લોકોની વિરૂદ્ધ હેરાફેરી કરી રહી છે, જેમાં મોટાભાગના નકારાત્મક સમાચાર છે. તેમાં નકલી સીએનએન સૌથી મુખ્ય છે. રિપબ્લિકન/કંજરવેટિવ અને નિષ્પક્ષ મીડિયા સમાપ્ત થઈ ચૂક્યા છે. આ બધા ગેરકાયદેસર છે ? અન્ય એક ટ્‌વીટમાં ટ્રમ્પે કહ્યું કે ૯૬ ટકાથી પણ વધુ ટ્રમ્પ ન્યૂઝના સર્ચ રિઝલ્ટમાં રાષ્ટ્રીય ડાબેરી મીડિયાનો હાથ છે. જે ખૂબ જ ખતરનાક છે. ગૂગલ અને અન્ય કંપનીઓ કંજરવેટિવનો અવાજ દબાવી રહી છે અને સમાચાર છાપી રહી છે એ સારી વાત છે. આ લોકો એ ચીજોને નિયંત્રિત કરી રહ્યા છે. જેને આપણે જોઈ પણ શકીએ છીએ અને નહીં પણ આ ખૂબ જ ગંભીર બાબત છે, જેના પર ધ્યાન અપાવવું જોઈએ.